વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવિત 10 જૂનના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલમાં કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. જ્યાં વિશાળ જનસમુદાયને સંબોધન કરશે. આ અનુસંધાને પાણી પુરવઠા વિભાગ સચિવ ધનંજય દ્રિવેદી, કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, કમિશ્નર મહિલા અને બાળ વિકાસ કે.કે. નિરાલા, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, ડીડીઓ અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય સહિત ગાંધીનગર તેમજ સ્થાનિક વરિષ્ઠ અધિકારીઓએ ખુડવેલ સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થળ પર જ બેઠક કરી ઉપયોગી માહિતી તેમજ જરૂરી વ્યવસ્થાની ચર્ચા કરી હતી.
આ બેઠકમાં સચિવો અને કલેકટરે બેઠક વ્યવસ્થા, પરિવહન, પાર્કિંગ, હેલિપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી તથા ઉપસ્થિત રહેનાર લોકો માટે સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મેડિકલ ટીમ, ઈન્ટરનેટની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે અન્ય અધિકારી સાથે પણ પરામર્શ કર્યો હતો. સ્થળ મુલાકાત બાદ નવસારી જિલ્લા કલેકટર કચેરી સ્થિત સભાખંડમાં સચિવો સહિત ઉક્ત વરિષ્ઠ અધિકારીઓ તથા નવસારી જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ હાજર રહી આ સંભવિત કાર્યક્રમના સુચારુ આયોજન અંગે સંબંધિત મુસદ્દાઓ સાથે વિગતવાર તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.