રજૂઆત:દાંડીરોડ પર આવેલા ગામોના સરપંચોએ બસ ચાલુ કરવા મુદ્દે ડેપો મેનેજરને આવેદન પત્ર પાઠવ્યું

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંડીરોડ ઉપર આવેલા ગામોના સરપંચોએ બસોની અવ્યવસ્થાને લઇને ડેપો મેનેજરને આવેદન પત્ર આપ્યું હતું. દાંડીરોડ વિસ્તારમાં આવેલ ગામોમાં બસોને કારણે પડી રહેલી અગવડોથી કંટાળીને નોકરીયોતો, વિદ્યાર્થીઓ અને રોજીંદા મુસાફરોને પડતી હાલાકીને દુર કરી તાત્કાલિક ધોરણે બસ સેવા શરૂ કરવા જણાવાયું છે.

આવેદનપત્રમાં લખ્યું છે કે, નવસારી ડેપોથી દાંડી સુધી દોડતી એસ.ટી.ની બસોના રૂટો છેલ્લા લાંબા સમયથી કેન્સલ અને અનિયમિત થતા રહ્યા છે. મોટા ભાગના રૂટો તો કાયમી ધોરણે રદ કરી દેવાયા છે. જેમા ખાસ કરીને વહેલી સવાર અને સાંજના રૂટો બંધ થતાં સવારે નોકરીએ જતા નોકરીયાતો અને સ્કૂલ-કોલેજ જતા વિધાર્થીઓને આવન જાવનમાં હાડમારી વેઠવી પડે છે.

સ્કૂલ-કોલેજના પાસ પાક વિધાર્થીઓને તો પાસ હોવા છતાં પણ રોકડ ખર્ચો કરી ખાનગી વાહનોનો સહારો લઈ સ્કૂલ-કોલેજ પહોંચવું પડે છે. જેને પગલે વિધાર્થીઓને પણ આવન જાવન માટે બમણો ખર્ચ કરવો પડે છે. તેવી જ રીતે સુરત સચીન, ભેસ્તાન તરફ અપડાઉન કરી પરીવારનો પેટગુજારો કરતા રોજીંદા નોકરીયાતોને પણ સવાર-સાંજના બસના રૂટો ન હોવાના કારણે બમણો ખર્ચ કરી ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. જેના કારણે તેઓને પણ આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે.

ગુજરાત સિવાય અન્ય રાજ્યોના સહેલાણીઓ પણ ઐતિહાસિક દાંડીની મુલાકાતે આવી રહ્યા છે. તો અમારા દાંડીરોડ ઉપરના બસના કેન્સલ થયેલા રૂટો તથા અનિયમિત રૂટોને નિયમિત ચાલુ કરી બસ સેવાથી પરેશાન દાંડીરોડના ગામોના વિધાર્થીઓ, નોકરીયાતો તથા રોજીંદા મુસાફરોને સુવિધા પુરી પાડશો એવી અપેક્ષા છે. જો અમારી આ માંગ પૂર્ણ ન થાય તો અમોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેની આપ ગંભીર નોંધ લેશો.

અન્ય સમાચારો પણ છે...