પ્રતીક ધરણા:15માં નાણાપંચની ગ્રાન્ટ મંજૂર ના થતા વાંસદા તાલુકાના 96 ગામના સરપંચોએ પ્રતિક ધરણા યોજ્યા

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં કાયમી ટીડીઓ અને મામલતદાર નહીં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોવાની રજૂઆત

વાંસદા તાલુકાના 96 ગામોના સરપંચોએ આજે તાલુકા પંચાયત ખાતે પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. 15મા નાણાં પંચની ગ્રાન્ટ મંજૂર નહીં થવા ઉપરાંત તાલુકામાં કાયમી ટીડીઓ તેમજ મામલતદાર નહીં હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવાની વ્યથા તેમણે રજૂ કરી હતી. એટલું જ નહીં, વિકાસના કામો ટલ્લે ચઢતાં હોવાથી સરકાર તાકીદે આ પ્રશ્નોનું સમાધાન નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપી હતી.

નોંધપાત્ર વાત તો એ હતી કે આજના આ પ્રતિક ધરણામાં કોંગ્રેસ ઉપરાંત ભાજપના સરપંચો પણ એકમંચ ઉપર જોવા મળ્યાં હતાં. 15મા નાણાં પંચની ગ્રાન્ટ મંજૂર નહીં થવા ઉપરાંત વાસંદા તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓ તેમજ મામલતદારની નિમણૂંક થતી ન હોવાથી વિકાસના કામો ટલ્લે ચઢી રહ્યાં છે, ત્યારે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. વાંસદા તાલુકાના 96 ગામો વિકાસમાં પાછળ રહી જતાં સરપંચો લોકોના રોષનો ભોગ બની રહ્યાં છે. ત્યારે ગ્રાન્ટ મંજૂર કરવા ઉપરાંત તાલુકામાં કાયમી ટીડીઓ અને મામલતદારની નિમણૂંકની માંગ સાથે આજે તમામ 96 ગામોના સરપંચોએ વાંસદા તાલુકા પંચાયત કચેરીની બહાર ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો.

એક તો વાંસદા તાલુકામાં ગરીબ આદિવાસી લોકોની વસતિ વધુ છે ત્યારે આવા પરિબળોને કારણે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરપંચોએ સરકાર સમક્ષ ગ્રાન્ટ મંજૂરી અને કાયમી નિમણૂંકની માંગ મુકી છે, એટલું જ નહીં જો તાકીદે આ માંગ પૂરી નહીં થાય તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવા સાથે જલદ્ કાર્યક્રમ યોજવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સરપંચોના આ ધરણાં પ્રદર્શનમાં એક વાત નોંધપાત્ર હતી કે કોંગ્રેસ ઉપરાંત ભાજપના સરપંચો પણ સરકાર સામે બાંયો ચઢાવતાં દેખાયા હતાં. કોંગ્રેસ-ભાજપના સરપંચો એકમંચ ઉપર દેખાયા હતાં અને તેમાં લોકહિતનો પ્રશ્ન સરખો હતો.

વહીવટી મંજૂરી આધારે પ્રક્રિયા કરાય છે
વાંસદા તાલુકા પંચાયતમાંથી વિકાસના કામોની વહીવટી પ્રક્રિયાનો પ્રથમ હપ્તાની ચૂકવણી શરૂ કરી છે. પ્રથમ હપ્તાની ચૂકવણી પૂર્ણ થશે એટલે બીજા હપ્તાની વહીવટી મંજૂરી જેમ આવતી જશે તેમ ચૂકવણી કરાતી જશે. તાલુકાની 7 -8 પંચાયતની વહીવટી પ્રક્રિયા આવી છે, બીજી આવશે તેમ શરૂ કરવામાં આવશે. > રાહુલભાઈ પટેલ, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી, વાંસદા તા.પં.

અન્ય સમાચારો પણ છે...