કોરોના બેકાબૂ:નવસારી સિવિલના સેનેટરી ઇન્સ્પેક્ટરનું મૃત્યુ, જિલ્લામાં 50 દિવસ બાદ કોરોના ફરી જીવલેણ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી શહેરમાં 3 અને ચીખલીમાં 1 સહિત 4 મહિલા પોઝિટિવ, કુલ મૃત્યુઆંક 102 થયો

નવસારી જિલ્લામાં 21મી ઓક્ટોબરે કોરોનાના દર્દીનું સરકારી ચોપડે છેલ્લું મૃત્યુ નોંધાયું હતું, ત્યાર બાદ 10 ડિસેમ્બર સુધી કોઈ જ વધુ મૃત્યુ નોંધાયું ન હતું. 50 દિવસ બાદ 11 ડિસેમ્બરે વધુ એક કોરોનાના દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. વિજલપોરની શીતલપાર્ક સોસાયટીમાં રહેતા 58 વર્ષીય ભરતભાઇ રાણા કોરોના પોઝિટિવ હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ભરતભાઇ સિવિલ હોસ્પિટલમાં જ સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેમના મૃત્યુથી જિલ્લાએ કોવિડથી વધુ એક કોરોના વોરિયર્સ ગુમાવ્યો છે. વધુ એક મૃત્યુથી જિલ્લામાં કોરોનાના દર્દીનો કુલ મૃત્યુઆંક 102 થઈ ગયો છે. શુક્રવારે જિલ્લામાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ પણ બહાર આવ્યા હતા. જેમાં નવસારીમાં જ 3 અને 1 ચીખલી તાલુકાનો હતો. નવસારીમાં તરોટા બજાર, છાપરારોડ વિસ્તાર અને જલાલપોરની અમૃતનગર સોસાયટીમાં કેસ નોંધાયા હતા. ચીખલી તાલુકામાં ફડવેલ ગામે પણ એક કેસ નોંધાયો હતો. ચારેય પોઝિટિવ કેસ મહિલાના આવ્યા હતા. નવા 4 કેસ સાથે કુલ 1476 કેસ થઈ ગયા હતા. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ એક પછી એક મૃત્યુઆંક વધતા ચિંતાગ્રસ્ત બન્યુ છે.

1352 રિકવર, 22 એક્ટિવ, 15 હોમ આઇસોલેટ
નવસારી જિલ્લામાં કોરોનાની સારવાર લેતા 4 દર્દી શુક્રવારે રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 1352 થઈ હતી.એક્ટિવ કેસ 22 રહ્યા હતા. જેમાં 5 દર્દી નવસારી સિવિલમાં અને 2 દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. 15 જણા હોમ આઇસોલેશનમાં છે.

વેક્સિન માટે 50થી વધુ વયના લોકોનો સરવે શરૂ
આગામી દિવસોમાં આવનાર કોવિડ 19 વેક્સિનના વિતરણ માટેની આગોતરા તૈયારી જિલ્લામાં પુરજોશમાં ચાલી રહી છે. કોવિડમાં મહત્વની ભૂમિકા ભજવનાર સરકારી અને ખાનગી આરોગ્ય વિભાગના સ્ટાફનું લિસ્ટ તો અગાઉ જ તૈયાર થઈ ગયું હતું અને બાદમાં સરકારી સેવા બજાવનાર કર્મચારીઓનું લિસ્ટ બનાવવા પણ આદેશ થઈ ગયા છે. હવે 50 વર્ષથી વધુ વયના અને બીમાર વ્યક્તિઓની સંખ્યાની માહિતી મેળવવા જિલ્લાભરમાં સરવે શરૂ થઈ ગયો છે. આ સરવે બાદ વધુ વયના અને બીમાર વ્યક્તિઓની સંખ્યા જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...