નવસારી જિલ્લામાં એમ.જી.જી.સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 52 લાખના ખર્ચે સખી વનસ્ટોપ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1લી ઓગસ્ટ 2019થી નવસારીમાં સખી વનસ્ટોપ સેન્ટર કાર્યરત છે. સીસીટીવી કેમેરાથી સજજ આ સેન્ટરમાં પીડિતાઓ માટે આશ્રય રૂમ, બે કાઉન્સેલિંગ રૂમ સહિતની આધુનિક સુવિધા સાથેનું બિલ્ડીંગ છે. કેન્દ્ર સંચાલક અસ્મિતાબેન ગાંધીએ સખી વન સ્ટોપ સેન્ટર વિશે જણાવતા કહ્યું હતું કે, પીડિત મહિલાઓ માટે સરકારની આ ખુબ જ સારી યોજના છે. આ સેન્ટરમાં તમામ સ્ટાફ મહિલાઓ હોય છે.
અહીં પીડિતાની ઇચ્છા મુજબ પરિવારને બોલાવામાં આવે અથવા કાયદાકીય માટે સલાહ આપવામાં આવે છે. ”શારીરિક કે માનસિક હિંસાનો ભોગ બનેલી પીડિતાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ જરૂર જણાયે તબીબી, પોલીસ કે કાયદાકીય માર્ગદર્શન આપવાની સાથે પીડિતાને આશ્રય આપવાની સાથે આર્થિક ઉત્કર્ષ માટે તેમને તાલીમ પણ અપાય છે.સખી વન સ્ટોપ સેન્ટર વિશે કેન્દ્રના સંચાલક ભાવિશાબેન રોહિતે જણાવ્યું હતું કે, પીડિતા મહિલાઓને કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ કરી તેમના આત્મવિશ્વાસ વધે, પોતાના જીવનનો નિર્ણય લઇ શકે, હિંસા સામે ન્યાય મેળવી શકે તે માટે યોગ્ય દિશાસુચન આપવામાં આવે છે.
પીડીતાને જિલ્લા કાનુની સત્તામંડળ દ્વારા સરકારી વકીલ પુરા પાડવામાં સખી વન સ્ટોપ સેન્ટર મદદરૂપ બને છે. પીડિતાને આ સેન્ટર દ્વારા એફઆઇઆર, ડીઆઇઆર દાખલ કરવા માટે સહાય પુરી પાડવામાં આવે છે. હિંસાથી પીડિત મહિલાને પાંચ દિવસ સુધી હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે. આ સેન્ટરમાં પીડિતાઓ માટે રહેવાની, ભોજન, ચા-નાસ્તો, કપડા, અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ વિનામુલ્યે પૂરી પાડવામાં આવે છે. કોઇપણ પ્રકારની પીડિત મહિલાઓને તમામ પ્રકારની તબીબી સહાય જેવી કે લેબોરેટરી, એકસ-રે, સોનોગ્રાફી, ઇમરજન્સી સારવાર તાત્કાલિક ધોરણે પુરી પાડવામાં આવે છે.
નવસારીમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં જિલ્લા સહિત અન્ય રાજયની મહિલાઓને પણ આશ્રય અને જરૂરી માર્ગદર્શન અપાયુ છે. વર્ષ-2019થી આજદિન સુધીમાં 272 ઘરેલુ હિંસા, 6 જાતીય સતામણી અને 98 અન્ય મળીને 376 પીડિતાએ આ સેન્ટરની મુલાકાત લીધી છે. જરૂરિયાતમંદ 296થી વધુ મહિલાને આશ્રય અપાયો છે.
124 પીડિતાને કાયદાકીય માર્ગદર્શન, 26 મહિલાને પોલીસ સહાય, 44 મહિલાને તબીબી સહાય તથા 100 મહિલાને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવ્યો છે. 8 પીડિતાને નારી ગૃહમાં, 1 મહિલાને માનસિક આરોગ્ય માટેની હોસ્પિટલમાં, 12 પીડીતાને અન્ય સંસ્થામાં તેમજ 75ને પરિવારમાં (પતિ કે પિતાના ઘરે) સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પીડિતાને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.