સબસીડીની માંગ:ઇંધણના ભાવ વધતાં માછીમારોના વ્યવસાય પર સંકટ, ધંધા-રોજગાર બંધ કરીને બોટ કિનારે લાંગરી દેવા મજબુર બન્યાં

નવસારીએક મહિનો પહેલા
  • પેટ્રોલ અને ડીઝલમાં વધતા જતા ભાવના કારણે સાગર ખેડૂઓની હાલત કફોડી બની
  • સાગર ખેડૂઓને બંદર પરથી ડીઝલ 115 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડે છે

ગુજરાતનો દરિયા કિનારો માછીમારો માટે રોજગારીનું એકમાત્ર સાધન છે. દક્ષિણ ગુજરાતમાં 1.5 લાખ જેટલા માછીમારોને રોજગારી આપતો ઉદ્યોગ પડી ભાંગવાને આરે આવીને ઊભો છે. માછીમારોને ડીઝલની સબસીડી ન મળતા ધંધા-રોજગાર બંધ કરીને બોટ કિનારે લાંગરી દેવા મજબુર બન્યા છે.પાંચ હજાર કરોડનું ટર્ન ઓવરની કમાણી કરી આપતો મત્સ્ય ઉદ્યોગ માટે નવસારીના ધોલાઈ ગામે બંદર બનાવવામાં આવ્યું છે.

ધોલાઇ બંદરથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર બાજુ 1200થી વધુ બોટ ફિશિંગ કરવા અર્થે મધ દરીયે જાય છે. વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી આપતો આ વ્યવસાય હવે બંધ થવાને આરે આવ્યો છે કારણ કે, પેટ્રોલ અને ડીઝલમાં વધતા જતા ભાવના કારણે સાગર ખેડુઓની હાલત કફોડી બની છે. સાગર ખેડૂઓને બંદર પરથી ડીઝલ 115 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડે છે અને એક બોટ મધદરિયે ફિશિંગ કરવા 15 દિવસ માટે જાય છે ત્યારે માછીમારોને અંદાજિત 2500 લીટર જેટલા ડીઝલની જરૂરિયાત હોય છે પરંતુ ડીઝલના ભાવ વધતા હવે આ ભાવ પોસાઈ શકે એવા નથી. જેને લઇને ધોલાઈ બંદરની 70% બોટ લંગારી માછીમારોએ વ્યવસાય બંધ કરવાનું વિચારી રહ્યા છે.

નવસારી જિલ્લામાં 52 કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે અને અહીંયાના માછીમારો મોટા પ્રમાણમાં ઓખા અને પોરબંદર જેવા બંદરો ઉપર માછીમારી કરવા માટે જાય છે અને દરિયામાંથી પકડેલો માવો નવસારી લઈ આવી અને અહીં સ્થાનિક બજારોમાં અને મહારાષ્ટ્રમાં વેચે છે પરંતુ જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો છે. જેમાં સબસિડી જ રાહત આપી શકે તેમ છે. નવસારી મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોએ અનેકવાર રાજ્ય સરકારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે રજૂઆત કરી છે અને દરિયા ખેડૂને પણ સબસિડી મળે એવી માંગ કરી રહ્યા છે. કૃષિ બાદ સૌથી મોટો ઉદ્યોગ જો હોય તો એ મત્સ્ય ઉદ્યોગ છે અને નવસારી જિલ્લાનું ધોલાઈ બંદર વાર્ષિક 100 કરોડથી વધુ એક્સાઇઝ ડ્યુટી સરકારની તિજોરીમાં આપે છે. જો પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા ન થયા તો માછીમારો આ વ્યવસાય બંધ કરવા મજબૂર બની શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્ય સરકાર દરિયા ખેડૂને સબસીડી આપે જેથી કરીને મરણ પથારીએ આવેલો આ વ્યવસાયને પુનર્જીવન મળી શકે.

અન્ય સમાચારો પણ છે...