રામ ​​​​​​​રાખે એને કોણ ચાખે:કૃત્રિમ શ્વાસથી બેભાન જન્મેલી બાળકીને નવજીવન

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિનસાડ ગામ નજીકની ઘટના, નવજાતના ગળામાં નાળ વીંટળાઇ જતા શ્વાસ રૂંધાયો હતો

નવસારીમાં 108ની ટીમે હંમેશની જેમ ફરી એકવાર સૌના દિલ જીતી લેનારૂ કાર્ય કર્યુ છે. નવસારી તાલુકાના પિનસાડ ગામમાં શેરડી કાપવા આવેલ મજુરીકામ કરતા સગર્ભાને મોડી રાત્રે પ્રસુતિની પીડા થઇ હતી. આશાબેન વડતી (ઉ.વ. 22) નામની સગર્ભાને અસહ્ય પીડા થતા 108ને ફોન કરવામાં આવ્યો હતો. 108ની ટીમ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચીને સગર્ભા આશાબેનને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જતા હતા. જોકે તેમને એમ્બ્યુલન્સમાં જ પીડા વધવાને કારણે 108 એમ્બ્યુલન્સ રસ્તાની એક બાજુ સાઇડ પર ઉભી રાખી સફળ પ્રસુતિ કરાવી હતી અને આશાબેન વડતીએ સુંદર બાળકીને જન્મ આપ્યો હતો.

બાળકીની સફળ પ્રસુતિ કરાવી તો ખરી પણ નવજાતના ગળામાં નાળ વીંટાયેલી હોવાને કારણે દિકરીનો બેભાન અવસ્થામાં જન્મ થયો હતો. માતા અને બાળકી બન્નેના જીવને જોખમ જણાતાં 108ના ઇએમટી કૌશિકભાઇએ ઇઆરસીપીનો સંપર્ક સાધી તેમની સલાહ મુજબ 108માં જ કૌશિકભાઇ ચાવડા અને પાયલોટ આશિષભાઇ ચૌધરીએ કુશળતાપૂર્વક ગળામાં વીંટાયેલી નાળને બાળકી ગળા માંથી કાઢી હતી. તેમજ બાળકીની છાતી દબાવી અને અમ્બુબેગ(કૃત્રિમ રીતે શ્વાસ આપવાનું સાધન)થી ઓક્સિજન આપ્યો હતો. નવજાત બાળકીને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળતા તેને નવજીવન મળ્યું હતું.

દિકરી ભાનમાં આવતાની સાથે માતા અને બાળકીને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરિવારમાં બાળકી સ્વરૂપે લક્ષ્મીજીનો જન્મ થતા પરિજનો ખૂબ જ ખૂશ છે. આ સાથે જ 108ની ટીમનો પણ પરિજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. નવસારી જિલ્લા 108 ટીમના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ અને ઇએમઇ મયંક ચૌધરીએ પણ સફળતાપૂર્વક પ્રસુતી કરાવી અને નવજીવન આપનાર કૌશિકભાઇ અને આશિષભાઇને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 108 ની સેવાને પગલે આવા અનેક કિસ્સાઓમાં બાળક સહિત માતાઓને નવજીવન મળ્યું છે. સરકારની 108 ની આ સેવા થકી હજારો લોકોના ઘરોમાં નવદિપકનો ઉજાસ પથરાયો છે. 108 ની ટીમની કામગીરીની ભારે સરાહના થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...