શબવાહિની વિહીન સિવિલ:નવસારીની સિવિલમાં શબવાહિની વર્ષોથી ખખડધજ હાલતમાં, મૃતકના સ્વજનો સ્વ ખર્ચે મૃતકને ઘરે લઈ જવા મજબુર

નવસારીએક મહિનો પહેલા
  • ગરીબ પરિવારજનોએ શબવાહિનીની માંગ કરી તો સિવિલના સત્તાધીશોએ
  • શબવાહિની નથી તેવો જવાબ આપ્યો

નવસારીની સિવિલ હોસ્પિટલ ફરી મોતનો મલાજો જાળવવામાં નિષ્ફળ રહી હોય તેવા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. નવસારીના ગણેશ સિસોદ્રાના યુવાનનો મૃતદેહ ઘરે લઈ જવા પરિવારજનોએ શબવાહિની માંગી હતી. પરંતુ સિવિલ સત્તાધીશોએ શબવાહિની નહીં હોવાની વાત કરતા ગરીબ પરિવાર પોતાના સ્વજનના મૃતદેહને સ્વખર્ચે ટેમ્પોમાં લઈ જવા મજબૂર બન્યા હતા.

નવસારીના ગણેશ સિસોદ્રા ગામમાં થોડા દિવસો અગાઉ માર્ગ અકસ્માતમાં ગૌચર ફળિયાના 43 વર્ષીય નગીન હળપતિનુ મોત થયું હતું. જેનો મૃતદેહ અજાણ્યા તરીકે નવસારી સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો હતો. શોધખોળ દરમિયાન નગીનની ઓળખ થતા તેના પરિવારજનોને ગ્રામ્ય પોલીસે ગતરોજ મૃતદેહ લેવા બોલાવ્યો હતો. સાથે જ તેનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. પરંતુ અહીં સિવિલ હોસ્પિટલ સત્તાધીશોએ માનવતા શર્મસાર કરી મોતનો મલાજો જાળવ્યો ન હતો.

મૃતકના પરિવારજનોએ સબ લઈ જવા માટે સિવિલમાંથી સબવાહીનીની માંગ કરી હતી, જોકે, સિવિલમાંથી સબનાહીની નથી એવો જવાબ આપવામાં આવ્યો હતો. પરિવારજનોએ શબવાહિનીની માંગ કરી તો સિવિલના સત્તાધીશોએ નન્નો ભણે લીધો હતો. જેથી ગરીબ પરિવારે મૃતદેહને લઈ જવા મજબૂરીવશ ટેમ્પો કરવો પડ્યો હતો અને ખુલ્લા ટેમ્પામાં નગીન હળપતિના મૃતદેહને ઘરે લઈ જવાયો હતો.

આ સમગ્ર મુદ્દે હોસ્પિટલના સિવિલ સર્જને કોઈએ શબવાહિની માગી ન હોવાનો રાગ આલાપ્યો છે. જો શબવાહિનીની માંગણી કરાઈ હોત, તો ફરજ પરના ડોક્ટરે શબવાહિની મેળવી આપવાના પ્રયાસો કર્યા હોત.

ઉલ્લેખનીય છે કે, નવસારી સિવિલ હોસ્પિટલની શબવાહિની વર્ષોથી બંધ હાલતમાં પડી જર્જરિત થઈ ગઈ છે. જોકે, શબવાહિની મુદ્દે પણ સરકારમાં રજૂઆત કરી હોવાની કેફિયત સર્જને રજૂ કરી હતી.

આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર કિરણ શાહનો સંપર્ક કરીને સમગ્ર મામલે ખુલાસો માંગતા તેમણે જણાવ્યું હતું કે, મૃતકના પરિજનોએ સબવાહીની માંગ કરી ન હતી. તેની ખાતરી સ્ટાફ સાથે કરી છે સાથે જ જો માંગ કરી હોત તો તેમને પાલિકાની સબવાહીનીની વ્યવસ્થા કરી આપવામાં આવી હોત. સિવિલ પાસે પોતાની શબવાહિની છે જોકે, તે હાલમાં ખખડધજ હાલતમાં છે જેની ઉપરી કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...