દવાનો છંટકાવ કરવા અનુરોધ:નવસારી જિલ્લા કોંગ્રેસની પૂરપીડિતોને તાત્કાલિક સહાય આપવા કલેકટરને રાવ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર ઓસરતા જ કીચડવાળા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવા અનુરોધ

નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેશ પટેલ, નરેશભાઈ વલસાડીયા, ધર્મેશ પટેલ સહિતનાએ કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં જણાવ્યું કે છેલ્લા ચાર-પાંચ દિવસથી ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિના કારણે લોકોના મૃત્યુ થયા છે.

મૃતકના પરિવારોને તાત્કાલિક સહાય ચૂકવાય, રેલના પાણી ચડતા હોઈ ત્યારે એની જાણ પણ સમગ્ર વિસ્તારમાં કરાતી ન હતી જેના લીધે નિચાણવાળા વિસ્તારમાં લોકોની માલ મિલકતને વ્યાપક નુકસાન થયું છે. રેલના કારણે ઘણા વિસ્તારોમાં વીજકાપ છે લોકો બે દિવસથી અંધારપટનો સામનો કરી રહ્યાં છે.

નવસારી જિલ્લાના ઘણાં વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા થઈ છે, તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, નગરપાલિકા તરફથી રામજી મંદિરમાં જે ફૂડ પેકેટોની વ્યવસ્થા થઈ હતી તે પૂરતા પ્રમાણમાં ન હતી અને નવસારીના અસરગ્રસ્ત વિસ્તારોના 50 ટકાથી પણ વધુ લોકો ફૂડ પેકેટથી સાંજે 4 વાગ્યા સુધી વંચિત રહ્યાં હતા.

ફૂડ પેકેટ વિતરણમાં પણ પક્ષાપક્ષી કરવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી. પરિણામ સામાન્ય અસરગ્રસ્ત પરિવારોએ ભોગવવું પડ્યું હતું. તેમને તાત્કાલિક સહાય કરાય અને પાણી ઓસર્યા બાદ દવાનો છંટકાવ કરવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો.

કાંસ-ખાડી પર બાંધકામથી પાણીનો નિકાલ થતો નથી
આ રેલની અસર નવસારીની મોટાભાગની પ્રજાને થઈ છે. જેથી આ હોનારત અંગે પક્ષાપક્ષીથી ઉપર થઈ નવસારીના અનુભવી માણસોને મળી સમસ્યાના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હોતો તો લોકોને જાનમાલની હાનિથી બચાવી શકાયા હોત. અગાઉના કલેકટર સંધ્યા ભુલ્લરે જે જગ્યાએ પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોય તે જગ્યાએ બાંધકામની પરમિશન આપવી નહીં તેવો હુકમ કર્યો હતો, તેમ છતાં શહેરમાં બિલ્ડરોએ ગેરકાયદે બાંધકામો જે કાંસ અને ખાડી ઉપર કર્યા છે તેના કારણે પાણીનો નિકાલ થતો નથી. > શૈલેષ પટેલ, પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ, નવસારી

અન્ય સમાચારો પણ છે...