આવેદન:સરકારી કોલેજોમાં બે વર્ષથી નમો ટેબલેટ ન મળતા પુનઃ કલેકટરને રાવ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના છાત્રો ત્રીજા વર્ષમાં આવી ગયા પણ હજુ ટેબલેટથી વંચિત

નવસારીમાં સરકારી કોલેજોનાં છાત્રોને બે વર્ષ થયાં છતાં પણ નમો ટેબલેટ નહીં મળવાં બાબતે તથા માસ પ્રમોશનમાં પાસ થયેલ છાત્રોની ફીમાં રાહત આપવા બાબતે વિદ્યાર્થી સંગઠન દ્વારા કલેકટરને ઉદ્દેશીને આવેદન આપ્યું હતું. ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

નવસારીમાં અભ્યાસ કરતા અને બે વર્ષથી નમો ટેબલેટના નાણાં ભરી સુરત વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ટેબલેટ ન આપતા નવસારીની સરકારી કોલેજના છાત્રોએ કલેકટરને પુનઃ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે નવસારીનાં સરકારી કોલેજોમાં છાત્રો પાસેથી નમો ટેબલેટ યોજના મુજબ રૂ. 1000ની વસૂલાત કરવામાં આવી હતી. આજે બે વર્ષ પૂરા થઈ ગયાં છતાં પણ વિદ્યાર્થીઓને ટેબલેટથી વંચિત રાખવામાં આવ્યા છે. બે વર્ષ થયાં છતાં પણ છાત્રોને ટેબલેટનો લાભ નહીં મળવાથી છાત્રો તેમજ વાલીઓમાં આક્રોશનો માહોલ સર્જાયો છે.

જોકે આ ટેબલેટ યોજના મુજબ ગત વર્ષનાં વિદ્યાર્થીઓને શરૂનાં પ્રથમ માસમાં જ ટેબલેટ આપી દેવામાં આવ્યા હતા. કોરોના કાળમાં જ્યારે ઓનલાઈન કલાસો ચાલી રહ્યાં છે ત્યારે ટેકનિકલ સાધનોનાં અભાવના કારણે અભ્યાસક્રમ અધૂરો રહી જતો હોય છે. ગત 1લી ઓગસ્ટ 2021નાં દિવસે જ્ઞાન દિવસ નિમિત્તે માત્ર 16 છાત્રોને ટેબલેટ આપવામાં આવ્યા હતા પરંતુ બાકીના હજારો છાત્રોને ટેબલેટ મળ્યા નથી અને તેમનાં કરોડો રૂપિયાનો હિસાબ છાત્રોને આપવામાં આવ્યો નથી. જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સેમેસ્ટર-2 અને 4નાં છાત્રોને મેરીટ બેઝનાં આધારે પાસ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પાસેથી સંપૂર્ણ ફી વસૂલ કરવામાં આવી છે.

ટેબલેટ ન મળે તો આંદોલનની ચીમકી
નવસારીમાં સરકારી કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોએ પ્રથમ વર્ષમાં ટેબલેટની ફી ભરી હતી. વારંવાર રજૂઆત કરી જેમાં સ્થાનિક ધારાસભ્ય, વીર નર્મદ યુનિવર્સિટીમાં કુલસચિવને અને વારંવાર કલેકટરને રજુઆત કરી આ છાત્રો ફાઇનલ યરમાં આવી ગયા પણ ટેબલેટ અપાયા નથી. હાલમાં જ્ઞાન દિવસની ઉજવણી થઈ તેમાં નમૂના છાત્રોને ટેબલેટ આપી વાહવાહી લૂંટી પણ બે વર્ષથી ટેબલેટ માટે ધક્કા ખાતા છાત્રોને નહીં આપતા હવે ઉગ્ર આંદોલનનો સહારો લેશે.

અન્ય સમાચારો પણ છે...