હિંદુ ધર્મ ગ્રંથો પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને રંભા ત્રીજ અથવા રંભા તૃતીયા વ્રત કહેવામાં આવે છે. આ વર્ષે ગુરુવારે ઊજવવામાં આવશે. ગુરુવાર હોવાથી આ દિવસે શિવ-પાર્વતી પૂજાનું મહત્ત્વ વધી જશે. પરણિતાઓ સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે. મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર, સૌભાગ્ય અને સંતાન સુખની ઇચ્છાથી આ વ્રત કરે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતી સાથે લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે અપ્સરા રંભાએ આ વ્રત કર્યું હતું. એટલે તેને રંભા ત્રીજ કહેવામાં આવે છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે સમુદ્ર મંથનમાંથી બહાર આવેલાં ચૌદ રત્નોમાં રંભાનું આગમન સમુદ્ર મંથનના કારણે થયું હોવાથી તે પૂજનીય છે. અપ્સરાઓનો સંબંધ સ્વર્ગ સાથે માનવામાં આવે છે. એટલે તેમની પાસે અનેક દિવ્ય શક્તિઓ હોય છે. રંભા ત્રીજના દિવસે પરિણીતા મહિલાઓ ભગવાન શિવ, માતા પાર્વતી અને માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરે છે.
પોતાના સુહાગની લાંબી ઉંમર માટે સોળ શ્રૃંગાર કરે છે અને સૌભાગ્ય તથા સુખની પ્રાપ્તિ માટે ત્રીજ વ્રત રાખે છે. રંભા ત્રીજના દિવસે પરિણીત મહિલાઓ ઘઉં, અનાજ અને ફૂલ સાથે બંગડીની જોડની પણ પૂજા કરે છે. આ દિવસે પૂજા-ઉપાસના કરવાથી મહિલાઓનું આકર્ષણ, સુંદરતા અને સૌંદર્ય જળવાયેલું રહે છે. પતિની લાંબી ઉંમર, યોગ્ય વર સાથે જ નિઃસંતાન મહિલાઓને સંતાન સુખ પણ આ વ્રતથી મળે છે.
આ વ્રતમાં મહિલાઓ સવારે જલ્દી જાગીને ઘરની સફાઈ કરે છે. તીર્થ સ્થાન અથવા પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરે છે. આ દિવસે મહિલાઓ સૌભાગ્ય પ્રાપ્તિ માટે આખો દિવસ વ્રત રાખે છે અને સોળ શ્રૃંગાર કરે છે. આ વ્રતમાં મહેંદી લગાવવાનું વિશેષ મહત્ત્વ છે. રંભા ત્રીજ વ્રતમાં મહિલાઓ સૌભાગ્ય સામગ્રીઓ એટલે શ્રૃંગારની વસ્તુઓનું દાન પણ કરે છે.
આ સિવાય આ વ્રતમાં માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. લક્ષ્મીજી અને દેવી પાર્વતીની પૂજામાં સૌભાગ્ય સામગ્રી અર્પણ કરે છે. આ દિવસે ઘરે જ શિવ, પાર્વતી અને ગણેશજીની આરાધના કરીને ઘરના વડીલોના આશીર્વાદ લેવામાં આવે છે. ઘરની વડીલ મહિલાઓને શ્રૃંગારની વસ્તુઓ અને મીઠાઈ આપવામાં આવે છે.
રંભા ત્રીજ વ્રતનું વિધાન
સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું. ત્યાર બાદ પૂર્વ દિશામાં મોં રાખીને પૂજા માટે બેસવું. ભગવાન શિવ-પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવી. તેમની આસપાસ પૂજામાં પાંચ દીવા પ્રગટાવવાં. ત્યાર બાદ પહેલાં ગણેશજીની પૂજા કરવી. પછી આ 5 દીવાની પૂજા કરવી.
ત્યાર બાદ ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવી જોઇએ. પૂજામાં દેવી ગૌરી એટલે પાર્વતીને કંકુ, ચંદન, મહેંદી, લાલ ફૂલ, ચોખા અને અન્ય પૂજા સામગ્રી ચઢાવવી. ભગવાન શિવ ગણેશ અને અગ્નિદેવને અબીર, ગુલાલ, ચંદન અને અન્ય સામગ્રી ચઢાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.