માંગણી પુરી કરો:જૂની પેન્શન યોજના શરૂ કરવા સંયુક્ત કર્મચારી મોરચાની રેલી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં બંધારણ પેન્શન અિધકાર દિવસે ધારાસભ્યને આવેદન પાઠવાયું

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ નવસારી જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ગુરૂવારે ડો.બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસ નિમિત્તે બંધારણ પેન્શન અધિકાર દિવસની ઉજવણી કરી લુન્સીકૂઈમાં ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કર્મચારીઓની મુખ્ય માગણી જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવી, સાતમા પગાર પંચના બાકીના લાભો સત્વરે આપવા, ફિક્સ પગાર પ્રથા બંધ કરવી, તમામ કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવો અને 10, 20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવા જેવી માગણીઓ સાથે શિક્ષકો અને કર્મચારીઓ લુન્સીકૂઈ મેદાનમાં ભેગા થયા હતા અને ત્યાંથી સૂત્રોચ્ચાર કરતા રેલી સ્વરૂપે સરકિટ હાઉસ થઈ ડો. આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આગામી સમયમાં સરકાર માગણી નહીં સ્વીકારે તો રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો જે કોઈ કાર્યક્રમો આપે તે કાર્યક્રમો કરવાની તૈયારી બતાવી હતી.

જૂની પેન્શન ફરીથી શરૂ થાય એવી માંગણી સાથેની રજુઆત માટે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈને પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપ્યું હતું. આ તબક્કે નવસારી જિલ્લાના વિવિધ કર્મચારી સંગઠનોના હોદ્દેદારો અને નવસારી અને જલાલપોર તાલુકાના શિક્ષકો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તબક્કે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

જૂની પેન્શન યોજના મેળવીને જ જંપીશું
પેન્શન એ અમારો હક છે અને તે મેળવવા માટે આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવા પડે તો નવસારી જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો એ કાર્યક્રમો આપીને પણ કોઈપણ ભોગે જૂની પેન્શન યોજના મેળવીને જ જંપીશું. -દિલીપકુમાર પટેલ, પ્રમુખ, નવસારી જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો

સરકારે માગણી સ્વીકારવી જ પડશે
તમામ સંગઠનો આજે ભેગા મળ્યા છે ત્યારે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગને બુલંદ બનાવીએ. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત છે ત્યારે આપણી માગણી સરકારે સ્વીકારવી જ પડશે. એમાં કોઈ બેમત નથી. -હેમંતસિંહ ચૌહાણ, કન્વિનર, નવસારી જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો

અન્ય સમાચારો પણ છે...