મહારેલી:જૂની પેન્શનની માગ સંતોષવા સરકારી સંગઠનોની મહારેલી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને નવસારી જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિલીપભાઈ પટેલની આગેવાનીમાં શનિવારે નવસારી જિલ્લાના તમામ કર્મચારી મંડળ સાથે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટે અને અન્ય પડતર પ્રશ્નોની માંગણી માટે મહારેલી યોજી હતી.

નવસારીના લુન્સીકૂઈથી મહારેલીમાં દરેક તાલુકાના પ્રમુખ-મહામંત્રીઓ દરેક કર્મચારી મંડળના પ્રમુખ મહામંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યાં હતા. લુન્સીકૂઇ મેદાનમાં ભેગા થયા ત્યારબાદ આ મહારેલી સરકિટ હાઉસ થઈ રાજમાર્ગો પર ફરી જુનાથાણા આવી કાલીયાવાડી કલેકટર કચેરીએ પહોંચીને હોદ્દેદારોએ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે 1લી જાન્યુઆરી 2005થી જૂની પેન્શન યોજના શરૂ કરી પણ ગુજરાત સરકારે 1લી એપ્રિલથી બંધ કરવામાં આવ્યું હતું. સરકારી કર્મચારીઓને હાલની પરિસ્થિતિમાં નિવૃત થાય તો તેમને પેન્શન નહીં મળતા ભવિષ્યમાં તેમની આર્થિક પરિસ્થિતિ કપરી બને છે.

જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી, ફિક્સ પગાર પ્રથા બાબતે સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી BP પીટીશન પરત ખેંચી ફિકસ પગારની પ્રથા બંધ કરી ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા મુજબ મૂળ નિમણૂકથી લાભ આપવામાં આવે, સાતમા પગારપંચના બાકી ભથ્થા 1-1-2016ની અસરથી લાગુ કરવામાં આવે, રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સર્વાંગ ગણવી, મેડીક્લેઈમની મર્યાદા આપવી, વય નિવૃત્તિ 58 વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓ માફક 60 વર્ષ કરવી, 30મી જૂને વય નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઈજાફા સહિત પેન્શનનો લાભ આપવા સહિત માગો રજૂ કરી હતી. આ અંગે કર્મચારીઓના મંડળ દ્વારા વારંવાર રજૂઆત કરી હતી અને સપ્ટેમ્બરમાં સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરી અનેક કાર્યક્રમો આપશે.

7મી સુધી માંગ નહીં સંતોષાય તો આંદોલન
નવસારીમાં 12થી વધુ સરકારી સંગઠનો ભેગા મળ્યાં અને સૌની એક જ માંગ હતી જૂની પેન્શન યોજના ચાલુ કરો, અન્ય પડતર માગ છે પણ હાલમાં જૂની પેન્શન યોજના માટે 7મી સપ્ટેમ્બરના રોજ અમારું પ્રતિનિધિ મંડળ સરકારની કમિટી સમક્ષ માંગ કરશે. જો ઉકેલ નહીં આવે તો ત્યારબાદ આંદોલન શરૂ થશે. જેમાં 11મી સપ્ટેમ્બરના રોજ કલેકટરને આવેદનપત્ર, 17મીએ માસ સી.એલ., 22મીએ કર્મચારીઓની પેનડાઉન અને 30મી સપ્ટેમ્બરના રોજ અચોક્ક્સ મુદતની હડતાલ પર જશે. > દિલીપ પટેલ, પ્રમુખ, નવસારી જિલ્લા સંયુક્ત કર્મચારી મંડળ

અન્ય સમાચારો પણ છે...