ચૂંટણી વિશેષ:નવસારી જિલ્લા બાર એસો.ના પ્રમુખપદે રાકેશ પરદેશી અને જો.સેક્રેટરીપદે અર્ણબ દેસાઈ વિજેતા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લા બાર એસો.ના પ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરીપદની ચૂંટણી યોજાઈ

નવસારી જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણીનું આયોજન થયું હતું. જેમાં એસો.ના ઉપપ્રમુખપદે 2 અને મંત્રી તરીકે એક જ ઉમેદવારનું ફોર્મ આવતા તેમને ચૂંટણી અધિકારીએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. જ્યારે પ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરીના પદ માટે ત્રણ ઉમેદવાર રહેતા શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રસાકસી બાદ પ્રમુખપદે રાકેશ પરદેશી 121 મતે અને જોઈન્ટ સેક્રેટરી અરણબ દેસાઈ 48 મતે વિજેતા થયા હતા.

નવસારીમાં બાર એસો.ના 5 હોદ્દા પૈકી ઉપપ્રમુખ માટે માત્ર 2 જ ઉમેદવાર રૂપેશ શાહ અને સુરેશ બારોટની સામે અન્ય ફોર્મ ભરાયું નહીં હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે સેક્રેટરીમાં પણ માત્ર એક જ ઉમેદવાર કમલેશ પટેલે ફોર્મ ભરેલું હોય તેમને પણ બિનહરીફ વિજેતા જાહેર કર્યાં હતા. જ્યારે પ્રમુખપદ માટે રાજકુમાર શર્મા, રાકેશભાઇ પરદેશી, ભરત એમ.પ્રજાપતિ અને સહમંત્રીપદ માટે અમીત કચવે, અર્ણબ દેસાઈ અને કૃણાલ પટેલ ઉમેદવાર હોય તેમના માટે શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી.

જેમાં મતદાન વખતે આ વખતે એક બાર એક મતની પ્રક્રિયા લાવતા મતદાન કરતી વખતે ગુપ્તતા જળવાતી નહીં હોવાનો આક્ષેપ ઉમેદવાર દ્વારા ચૂંટણી કમિશ્નરને કરવામાં આવ્યો હતો. જોકે અગ્રણીઓએ સમજાવટ બાદ સમાધાન થયું હતું. બાર એસો.ના કુલ 481 સભ્યમાંથી 408 મતદારોએ મતદાન કર્યું હતું. ભારે રસાકસીના અંતે પ્રમુખપદે રાકેશ પરદેશી 121 મતે અને જોઈન્ટ સેક્રેટરીપદે અર્ણબ દેસાઈનો 48 મતે વિજય થયો હતો.

ચૂંટણીમાં 481માંથી 408નું મતદાન
બાર એસો.ની ચૂંટમીમાં કુલ 481 મતદારમાંથી 408 જણાંએ મતદાન કરતા 84 ટકાથી વધુ નોંધાયું હતું. જેમાં પ્રમુખ પદ માટે રાકેશ પરદેશીને 232, ભરત પ્રજાપતિને 111 અને રાજકુમાર શર્માને 56 મત મળતા રાકેશ પરદેશીનો 121 મતથી વિજય થયો હતો. જ્યારે જોઈન્ટ સેક્રેટરીપદ માટે અર્ણબ દેસાઈને 205 મત, કૃણાલ પટેલને 157 મત અને અમિત કચવેને 34 મત મળતા અર્ણબ દેસાઈ 48 મતે વિજેતા બન્યા હતાં.

ચૂંટણીમાં રદ થયેલા મત
બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ મત રદ થવાની ઘટના સામે આવી છે. જેમા પ્રમુખપદની ચૂંટણીમાં 9 મતદારના મત રદ થયા હતા. જ્યારે જોઈન્ટ સેક્રેટરીપદની ચૂંટણીના મતદાનમાં પણ 12 મત રદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...