તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં વરસાદી માહોલ:અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, ગિરિમથક સાપુતારામાં ધોધમાર તો રાજકોટના જસદણમાં કરાં સાથે વરસ્યો વરસાદ

નવસારી18 દિવસ પહેલા
રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો.
  • અમરેલીના બાબરામાં વરસાદી ઝાપટાં વરસ્યાં
  • દાહોદમાં વહેલી સવારે વરસાદી માહોલ છવાયો

અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગ્યે ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં, જેમાં સરખજે, એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં ચોમાસાનો હજી વિધિવત પ્રારંભ નથી થયો, પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં જૂનના પ્રારંભમાં જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. આજે પણ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ગિરિમથક સાપુતારા માલેગામ, લિંગા, આહવા, ગલકુંડ સહિત અનેક જગ્યાએ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થતાં સ્થાનિક લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટ માંથી મુક્તિ મળી છે.

ગિરિમથક સાપુતારામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો
ડાંગ જિલ્લામાં વરસેલા વરસાદને પગલે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાતાં વાતાવરણ ખુશનુમા બન્યું, જેથી સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓને આ વાતાવરણ ખૂબ માફક આવતાં તેઓ અહીં રોકાવવા મજબૂર બન્યા છે. દર વર્ષે પહેલા વરસાદથી સાપુતારાની રોનકમાં વધારો થાય છે, જેથી કેટલાક પ્રવાસીઓ પહેલાં વરસાદની મજા માણવા માટે દર વર્ષે આવતા હોય છે. હાલ કોરોનાને કારણે સાપુતારામાં ટૂરિઝમ મંદ પડ્યું છે, જેથી વરસાદી માહોલમાં ચારેતરફ ગ્રીનરી ફેલાતાં ઠંડક અને નયનરમ્ય વાતાવરણ પ્રવાસીઓને આકર્ષી શકે છે.

જસદણના ગ્રામ્ય વિસ્તારમાં કરાં સાથે વરસાદ વરસ્યો.
જસદણના ગ્રામ્ય વિસ્તારમાં કરાં સાથે વરસાદ વરસ્યો.

જસદણના ગ્રામ્ય વિસ્તારમાં કરાં સાથે વરસાદ
રાજકોટ જિલ્લાના જસદણના આબરડીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જ્યાં એક કલાકમાં દોઢ ઈંચ વાવણીલાયક વરસાદ પડ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જસદણમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક વીજળીનાં કડાકાભડાકા અને કરાં સાથેનો વરસાદ વરસતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બફારા વચ્ચે વરસાદ આવતાં વાતાવરણ ઠંડું બની ગયું છે.

સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું.
સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું.

અમરેલીના બાબરા અને આસપાસના વિસ્તારમાં વરસાદ
અમરેલીના બાબરા શહેર અને આસપાસના વિસ્તારમાં આજે દિવસભર આકરા બફારા બાદ સાંજે વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બાબરા શહેર ઉપરાંત તાલુકાના દરેડ, લુણકી, ઈંગોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. તો બીજી તરફ જિલ્લાના અન્ય વિસ્તારોમાં લોકોએ આજે આકરી ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારે ઓચિંતો વાતાવરણમાં પલટો આવતાં જિલ્લાનાં ઘણાં ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં,. જેમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી આકાશમાં મેઘધનુષ પણ જોવા મળ્યું હતું, જેથી જાણે ચોમાસું અત્યારથી જ બેસી ગયું હોય તેમ લાગતું હતું.

અન્ય સમાચારો પણ છે...