વરસાદી માહોલ:ડાંગમાં સતત બીજા દિવસે વીજળીનાં કડાકા સાથે વરસાદ, સુબીરમાં 2 ઈંચથી વધુ ઝીંકાયો

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ પડતા હવે ચોમાસુ વિધિવત બેઠુ હોય તેવો માહોલ છવાયો હતો. - Divya Bhaskar
ડાંગ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ પડતા હવે ચોમાસુ વિધિવત બેઠુ હોય તેવો માહોલ છવાયો હતો.
  • વરસાદના પગલે સાપુતારામાં આવેલા સહેલાણીઓમાં આનંદ છવાયો

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ડાંગના સુબીરમાં 57 મિ.મી. (2 ઈંચથી વધુ) વરસાદ નોંધાયો હતો. જ્યારે વઘઈમાં વરસાદ નોંધાયો ન હતો. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ભારે પવનનાં સુસવાટા અને વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. શનિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વહીવટી મથક આહવા, શબરીધામ સુબીર, વઘઇ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડામાં બપોરે 4.30 વાગ્યા સુધી અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.

બાદમાં ભારે પવનનાં સુસવાટા બાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલનું આગમન થતા સર્વત્ર શીતલહેર વ્યાપી ગઈ હતી. ડાંગમાં સતત બીજા દિવસે વરસાદી માહોલનું આગમન થતા ગરમીથી શેકાયેલી ધરા હળવા ભીનાશ સાથે તરીતૃપ્ત બની હતી. ગિરિમથક સાપુતારામાં શનિવારે વરસાદી માહોલ જામતા ફરવા આવેલ પ્રવાસીઓએ વરસાદી માહોલ અને પ્રકૃતિનો આસ્વાદ માણી ખુશી અનુભવી હતી. ડાંગમાં વરસાદનાં પગલે કોઈ નુકસાનીનાં અહેવાલો સાંપડ્યાં ન હતા.

ડાંગ જિલ્લામાં નોંધાયેલો વરસાદ
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર શનિવારે સાંજનાં અરસામાં આહવામાં 16 મિમી, સાપુતારામાં 3 મિમી, વઘઇમાં 0 મિમી, જ્યારે સૌથી વધુ સુબીરમાં 57 મિમી અર્થાત 2.28 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સુબીર પંથકમાં ધોધમાર વરસાદથી પૂર્ણામાં નવા નીર આવ્યા
ડાંગ જિલ્લામાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. શનિવારે ડાંગનાં ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે સુબીર તાલુકાનાં ગામડામાં સાંજનાં અરસામાં ધોધમાર વરસાદ પડતા ચાલુ સિઝનમાં પહેલી વખત પૂર્ણા નદીમાં નવા નીર આવ્યા હતા. સુબીર પંથકમાં ભારે વરસાદને પગલે પાણીની રેલમછેલ ફરી વળી હતી. વરસાદનાં પગલે સુબીર તાલુકાની પૂર્ણા નદી સહિત જંગલ વિસ્તારમાં આવેલ નાનકડા ઝરણા અને વહેળાઓ પાણીનાં પ્રવાહ સાથે ગાંડીતુર હાલતમાં જોવા મળી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...