નવસારીના રેલવે હદ વિસ્તારમાં કડોલી ગામ પાસેથી 40 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ બાબતે રેલવે વિભાગ જે તે રેલવે સ્ટેશન કે પછી નજીકના પોલીસ મથકે જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ગુજરાત રેલવેની નવસારી આઉટપોસ્ટની કામગીરી સામે આવી છે. કેટલીક ફરિયાદ અને સમસ્યાથી પોલીસ ઝઝૂમી રહી છે. છેલ્લા 3 વર્ષથી રેલવે ટ્રેનની અડફેટે 172 લોકો આવી ગયા છે. જેમાં 20 ટકા જેટલી બિનવારસી લાશ હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું.
નવસારી રેલવે આઉટ પોસ્ટમાં આવેલા સુરતના સચીન અને બીજીબાજુ વલસાડ તરફ વેડછા રેલવે સ્ટેશન વિસ્તારમાં 22 કિમીની નવસારી રેલવે પોલીસની હદ આવેલી છે. જેમાં ટ્રેનની અડફેટે આવતા લોકો અને ચાલુ ટ્રેનમાંથી પડી જઈ અકસ્માતમાં મોતને ભેટનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં વર્ષ-2019માં 68થી વધુ લોકો ટ્રેનની અડફેટે આવી જવાથી મૃત્યુ થયાની નોંધ રેલવે વિભાગે કરી હતી. વર્ષ-2020માં કોરોનાના કારણે ટ્રેનસેવા બંધ રહેતા અકસ્માત મોતની સંખ્યા ઘટી 42 નોંધાઈ હતી. વર્ષ-2021માં 42 અને હાલના ફેબ્રુઆરી માસ દરમિયાન 20થી વધુ લોકોના ટ્રેનની અડફેટે આવી જવાથી મોત નોંધાયા છે. ગુજરાત રેલવે પોલીસના વલસાડ ડિવિઝનમાં નવસારી રેલવે પોલીસનો સમાવેશ થાય છે.
જેમાં સ્ટાફના અભાવે પણ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને ગુના પણ ઓછા નોંધાયા છે. નવસારી રેલવે પોલીસની હદમાં નવસારીના વેડછાથી લઇને સચીન રેલવે સ્ટેશન સુધીની હદમાં વિવિધ કામગીરી કરવાની હોય છે. જેમાં ચોરી, ગુમ અને કોઈ ચાલુ ટ્રેનમાંથી પડી જાય, ટ્રેનની અડફેટે આવી જવાની ઘટના ઉપર કાર્યવાહી કરવાની હોય છે. કોરોના મહામારીને પગલે ટ્રેનની સેવા લિમિટેડ કરવામાં આવી હતી ત્યારે ટ્રેનની અડફેટે અને અકસ્માતે મોતની ઘટનામાં ઘટાડો થયો હતો.
રેલવે પોલીસે આપેલ માહિતી મુજબ વર્ષ-2019થી ફેબ્રુઆરી-2022 દરમિયાન 172 લોકો રેલવે ટ્રેનની અડફેટે અકસ્માતે મોત થયાની માહિતી મળી છે. નવસારી રેલવે પોલીસને હાલમાં લોકો લાશ ઉંચકનારી પોલીસ તરીકે જ જાણતા હોય છે. નવસારી આઉટ પોસ્ટ બન્યાને સુવિધાઓ આપવામાં રેલવે વિભાગ નિષ્ક્રીય રહી છે. જેમાં નવસારીના સાંસદ, ધારાસભ્યોની નિષ્કાળજી પણ સામે આવી છે. નવસારી રેલવે પોલીસમાં બે હંગામી મજૂરો છેલ્લા 15 વર્ષથી લાશ ઉંચકવાની મજૂરી કામ કરી રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા તેમનું સન્માન થાય તેવી પણ લોક માગણી ઉઠી છે.
નવસારી આઉટપોસ્ટમાં આ રહી અસુવિધાઓની ભરમાર
સચીન સુરત શહેરમાં આવવાથી તકલીફ વધી
સચીન શહેર સુરત જિલ્લામાં આવી ગયું હોવા છતાં તે વિસ્તારમાં કોઇ વ્યક્તિનું ટ્રેનની અડફેટે મોત થાય તો પહેલા સચીનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ થતું હતું. પણ હવે સચીન સુરત શહેરમાં આવી ગયું હોવાથી પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં જવું પડે છે. જેનાથી રેલવેના સ્ટાફનો સમય વેડફાય છે. ઉપરાંત વર્ગ-4ના સ્વીપર જેવા કર્મચારીઓની નિમણૂંક ન થતાં લાશને રેલવેના પોલીસ કર્મીઓએ જ જાતે ઉંચકીને પીએમના સ્થળે લઇ જવી પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.