સવા બે વર્ષ અગાઉ જેને મંજૂરી મળી એ નવસારી મેડિકલ કોલેજની કાયદેસરતા અને જમીનની ફાળવણી મુદ્દે મોડે મોડે જ્યાંં બની રહી છે એ આટ-ખંભલાવ ગામમાંથી વિરોધ શરૂ થયો છે. આજથી આશરે સવા બે વર્ષ અગાઉ 30 ઓગસ્ટ 2019ના રોજ નવસારી મેડિકલ કોલેજને મંજૂરી મળી હતી,જે માટે સ્થાનિક વિવિધ વિભાગોના અભિપ્રાય લઇ સરકારે જલાલપોર તાલુકાના ખંભલાવ ગામની સરકારી ખાજણની 20 એકર જમીન 20 જાન્યુઆરી 2020ના રોજ મેડિકલ કોલેજના બાંધકામ માટે ફાળવી હતી.
જોકે કોલેજ માટે જરૂરી હોસ્પિટલ નવસારી સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ બનાવવાનો નિર્ણય લેવાયો . બીજી તરફ ખંભલાવમા એક જગ્યાએ કોલેજ થોડા સમય અગાઉ ચાલુ પણ કરી દેવાઈ અને ત્યાં નવું બિલ્ડિંગ બનાવવાનું કામ પણ હાલ શરૂ કરાયું ત્યાં સ્થાનિકોમાંથી વિરોધ વધવા લાગ્યો છે.
આ મુદ્દે આટ ખંભલાવ ગામના લોકોએ મૂળતઃ ગામની મહિલા ભારૂલતા પટેલ કાંબલેની આગેવાનીમાં ગુરુવારે આટથી એક રેલી કાઢી નવસારી જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટરને કોલેજની કાયદેસરતા, જમીન ફાળવણી મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિકોની કરાયેલ અવગણના મુદ્દે પણ રજૂઆત કરી હતી. તેઓએ જગ્યા થોડે દૂર ફાળવવા પણ લેખિત રજૂઆત કરી હતી. રેલીમાં સ્થાનિકો ઉપરાંત અન્ય પણ જોડાયા હતા.
અગાઉ સ્થાનિક લેવલે વિરોધ બાદ હવે પ્રથમ વખત જાહેરમાં વિરોધ પ્રદર્શન
કોલેજ ગેરકાનૂની , જગ્યાની ફાળવણી ખોટી
મેડિકલ કોલેજ ગેરકાનૂની છે, NMCના કોલેજની જગ્યા ફાળવણી સહિતના ધારાધોરણનો ભંગ કરાયો છે. બીજુ કે આદિવાસી કન્યા છાત્રાલયમાં હાલ જે રીતે કોલેજ શરૂ કરી દેવાઇ છે, કન્યાઓને અન્યત્ર સ્થળાંતર કરાઇ છે તે પણ ખોટુ છે. કોલેજને લઇ ગામનું ગૌચર, ગ્રાઉન્ડ રહ્યું નથી. ગ્રામસભાના યોગ્ય ઠરાવો થયા નથી. ફી પણ સરકારી મેડિકલ કોલેજની સરખામણીએ ખુબ વધુ છે. ખંભલાવમાં પાણી નિકાલની સમસ્યા સર્જાશે.> ભારૂલતા પટેલ કાંબલે, આગેવાન
ગૌચર નહીં, સરકારી પડતર જગ્યા છે
જે જગ્યા મેડિકલ કોલેજ માટે ફાળવાઇ છે તે નીતિનિયમ મુજબ ફાળવાઇ છે. બીજુ કે આ જગ્યા ગૌચરની નહીં પણ સરકારી પડતર જમીન છે. > અમિત યાદવ, કલેકટર, નવસારી
NMCના નોર્મ્સનું પાલન કરાયું
15 નવેમ્બરથી કોલેજ શરૂ થઇ ગઇ છે. અહીં NMCના જે નોર્મ્સ છે તેનાથી વધુ સુવિધા છે. નોર્મ્સનું પાલન થયું નથી એ વાત ખોટી છે. > ડો. ડી.પી.પંડિત, ઈન્ચાર્જ ડીન, મેડિકલ કોલેજ
આ ગવર્મેન્ટ કોલેજ નહીં પણ ટ્રસ્ટ, સોસાયટી સંચાલિત કોલેજ
નવસારીમાં મેડિકલ કોલેજ ફાળવાઇ ત્યારથી ઘણાં લોકોમાં આ કોલેજ ‘ગવર્મેન્ટ કોલેજ’ હોવાની ધારણા બની છે, જે ખોટી છે. હકીકતમાં આ કોલેજ એક ટ્રસ્ટ, સોસાયટી GMERS સંચાલિત છે. જોકે તે ટ્રસ્ટ સોસાયટીમાં સરકારના જ હોદ્દેદારો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ બહારની ખાનગી કોલેજમાં વધુ ફી ભરી ન જાય તે માટે GMERS બનાવાયું છે, જેની ફી વાર્ષિક અંદાજે 3.30 લાખ રૂપિયા છે, જે ગવર્મેન્ટ કોલેજ કરતા ઘણી વધુ છે પણ ખાનગી કોલેજો કરતા ઓછી હોવાનું સરકારી સૂત્રો જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.