નિર્ણય:મતદારોને વાહનની મફત સગવડ આપવા પર પ્રતિબંધ

નવસારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાના સમાવિષ્ટ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 19મી ડિસેમ્બરે તેમજ તેની મતગણતરી 21મી ડિસેમ્બરે યોજાશે. જે અન્વયે નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જાષીએ જાહેરનામા દ્વારા વાહનોના દુરુપયોગ ઉપર નિયંત્રણ માટે મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે મતદાન મથકે અવરજવર માટે વાહનનો ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.\nમતદાનના દિવસે ઉમેદવાર પોતાના ઉપયોગ માટે એક વાહન તથા મતદાર વિભાગમાં મતદાનની તારીખે ચૂંટણી એજન્ટ અથવા તેના કાર્યકરો અથવા પક્ષીય કાર્યકરો માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા આપેલ પરમીટ ધારણ કરેલું એક જ વાહન વાપરી શકશે. વાહન ઉપર પરમીટ નંબર પ્રદર્શિત કરવાનું રહેશે.

આ પ્રતિબંધ સરકારી અધિકારીઓ કે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા છે તેવા અધિકારીઓને લાગુ પડશે નહીં. ઉમેદવાર/મતદાન એજન્ટ/પક્ષીય કાર્યકરો આવી પરમીટ ધારણ કરેલ વાહનનો ઉપયોગ ચૂંટણી કાર્યના સમય દરમિયાન મતદારોને લાવવા લઇ જવા માટે, અસામાજિક તત્વોની હેરફેર માટે, ગેરકાયદેસર હેરફેર માટે કરી શકાશે નહીં. કોઇપણ વ્યકિત પોતાના કોઇપણ પ્રકારના વાહનોમાં મતદારોની હેરફેરી કે તેવા હેતુસર વાહનનો ઉપયોગ કરી શકાશે નહીં.

વાહનનો પોતાના અને પોતાના કુટુંબની વ્યકિતઓ પુરતો મર્યાદિત ઉપયોગ કરી શકશે. કોઇપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો કે તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેમની સહમતીથી બીજા કોઇપણ વ્યકિત દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઇ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમના ભંગ કરનાર વ્યકિત વિરૂદ્ધ ભારતીય દંડ સહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...