વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ:નવસારીમાં કાલે વડાપ્રધાન મોદી જાહેરસભા સંબોધશે, એક લાખથી વધુ જનમેદની ઉમટશે

નવસારી16 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીનો માહોલ હાલ જામ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓએ જીત મેળવવા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે ભાજપને બહુમતીથી જીત અપાવવા માટે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાતનો દરેક ખૂણો ખુદી રહ્યા છે. જે અંતર્ગત ચૂંટણી પ્રચારના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે નવસારીના સેવન ઇલેવન પેટ્રોલ પંપની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં આશરે એક લાખ જેટલી જનમેદનીને સંબોધશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ પોલીસ બંદોબસ્ત સહિતની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

પહેલા તબક્કાના પ્રચારની કમાન PM મોદીના હાથમાં
નવસારી જિલ્લામાં કુલ ચાર વિધાનસભા બેઠક આવી છે, જેના પ્રચાર માટે PM મોદી કાલે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4:00 વાગ્યે ઉપસ્થિત રહેશે, જે માટેના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને લઈ ભાજપના કાર્યકરો તેમજ પોલીસ તંત્ર કામે લાગ્યું છે. SPG સહિતની સુરક્ષામાં તહેનાત ટુકડીઓએ ગ્રાઉન્ડ પર સુરક્ષા વધારી છે. ચૂંટણીમાં પ્રચાર અભિયાનની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં લીધી છે. તેમજ અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતૃત્વની ટીમ પણ હાલ ગુજરાતમાં છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમત્રીઓ તેમજ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે.

ભાજપના ચારેય ઉમેદવારો હાજર રહેશે
નવસારી જિલ્લામાં ભાજપને જીત અપાવવા માટે આદિવાસી મત મહત્વના છે ત્યારે આદિવાસીઓને રિઝવવા માટે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. નવસારી બેઠકના ઉમેદવાર રાકેશ દેસાઈ, ગણદેવીના ઉમેદવાર નરેશ પટેલ, જલાલપોરના ઉમેદવાર આર.સી.પટેલ અને વાંસદાના ઉમેદવાર પિયુષ પટેલ પણ PM મોદીના ચૂંટણી પ્રચાર કાર્યકમમાં હાજર રહેશે.

રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ગુજરાતમાં સભા સંબોધવા માટે આવી રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ પ્રચાર પ્રસાર તેજ ગતીએ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...