• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Primary School In Navsari's Tawdi Village In Such Controversy, Students Have Had Their Bathrooms And Classrooms Cleaned To Please The Education Officer.

શિક્ષણના બદલે સફાઈકામ:નવસારીના તવડી ગામની પ્રાથમિક શાળા આવી વિવાદમાં, શિક્ષણ અધિકારીને ખુશ કરવા વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ અને ક્લાસરૂમ સાફ કરાવાયા

નવસારી12 દિવસ પહેલા
  • શાળાના વિદ્યાર્થીઓ બાથરૂમ સાફ કરતા હોય તેવા વીડિયો સામે આવ્યાં
  • આ સફાઈ વિદ્યાર્થીઓએ પોતાની મરજીથી કરી હોવાનું કહી જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાનો બચાવ કર્યો

નવસારીના તવડી ગામમાં શિક્ષણ અધિકારીને ખુશ કરવા ગામની શાળામાં વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ તેમજ કચરા પોતા કરાવી મજૂરી કરાવવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ ઘટનાને લઈ શાળા સંચાલકોમાં ફફળાટ વ્યાપ્યો છે.

વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવી
શાળા પરિવારે વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ, ક્લાસરૂમ તેમજ શાળાનું મેદાન સાફ કરાવી મજૂરી કરાવી હતી.પ્રાથમિક કક્ષાના વિદ્યાના મંદિરમાં શિક્ષણનું સિંચન કરવા માટે સરકારી શાળાઓ ઉભી કરવામાં આવી છે. રાજ્યના છેવાડાના માનવી સુધી શિક્ષણ વિસ્તરે તે માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે સરકારી શાળાનું નિર્માણ કરાવ્યું છે. ત્યારે આ હેતુ ક્યાંકને ક્યાંક ભૂલાઈ રહ્યો છે બાબુ શાહી અને અધિકારી રાજમાંથી શિક્ષણ વિભાગ પણ બાકાત રહ્યુ નથી તેવું જોવા મળી રહ્યુ છે. ત્યારે તવડી ગામમાં શાળામાં મુલાકાતે આવેલા શિક્ષણ અધિકારીને ખુશ કરવા માટે શાળા પરિવારે વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ તેમજ ક્લાસરૂમ અને શાળાનું મેદાન સાફ કરાવી મજૂરી કરાવી હતી.

વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરતા હોઈ તેવા વીડીયો સામે આવ્યાં
જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.તવડી ગામની વલ્લભ વિદ્યાકુંજ કૃષિ પ્રાથમિક શાળા કે જ્યાં આજે 1 થી 5 ના ધોરણો શરૂ થયા છે. જોકે, શાળા શરૂ થતાં જ વિવાદમાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ બાથરૂમ સાફ કરતા હોય તેવા વીડીયો સામે આવ્યાં છે.

જિલ્લા શિક્ષણ અધિકારી શાળામાં વિઝીટમાં આવ્યાં હતા
જેને લઈ શાળા સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. જેવું મીડિયાએ આ બાબતે ધ્યાન દોર્યું તેવુ જ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું કામ બંધ કરાવી દીધું હતું. શાળામાં સ્વેચ્છાએ વિદ્યાર્થીઓ સફાઈ કરી રહ્યાનું ગાણું શાળાના આચાર્યએ ગાયું છે. આજરોજ સ્નેહા પ્રોજેકટ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી અહીં શાળામાં વિઝીટમાં આવ્યાં હતા જેમને જાણ થતાં તાત્કાલિક વિદ્યાર્થીઓ પાસે કામ બંધ કરાવી દેવામાં આવ્યું હતું.

નવસારીના શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી શાળાની વિઝિટે આવવાના હોવાથી શાળા પરિવારે તેમની ખુશામત ગીરી કરવા માટે વિદ્યાર્થીઓ પાસે સાફ-સફાઈ કરાવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ખુલાસો માગતાં આ સફાઈ વિદ્યાર્થીઓએ જાતે પોતાની મરજીથી કરી હોવાનું કહી શાળાનો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...