વરસાદ:નવસારીમાં ડાંગરની કાપણીની તૈયારી શરૂ ત્યાં જ પુનઃ વરસાદની એન્ટ્રીથી બ્રેક

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં વરસાદને પગલે ડાંગરના પાકને નુકસાન થયું હતું. - Divya Bhaskar
નવસારી જિલ્લામાં વરસાદને પગલે ડાંગરના પાકને નુકસાન થયું હતું.
  • સામી દિવાળીએ મોલધરા, સુપા સહિતના ગામોમાં સાધારણ વરસાદ, નુકસાનીની આશંકા
  • જિલ્લામાં 45 હજારથી વધુ હેકટરમાં ડાંગરનું વાવેતર, હાલ સુધી તો મહદઅંશે પાકની સ્થિતિ સારી

નવસારી પંથકના બારડોલી રોડ પરના કેટલાક ગામોમાં સોમવારે સામી દિવાળીએ વરસાદ પડતાં ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આમ તો છેલ્લા કેટલાક દિવસથી નવસારી પંથકમાં વરસાદ નહિવત પડ્યો છે. જોકે સોમવારે વાતાવરણમાં પલટાવ આવ્યો હતો. નવસારી શહેરમાં પણ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. કેટલીક જગ્યાએ છાંટણા પણ થયા હતા. બીજી તરફ નવસારીના બારડોલી રોડ પર આવેલા મોલધરા ગામે 10થી 15 મિનિટ ઝાપટું પડ્યું હતું તો સુપા વગેરે ગામોમાં પણ સાધારણ પડ્યો હતો. નવસારી મહુવા રોડ ઉપર આવેલ ઉગત સહિતના ગામોમાં પણ પડ્યો હતો. જોકે સાધારણ જ વરસાદ પડ્યો છે આમ છતાં થોડુ ઘણું નુકસાન થવાની જરૂર આશંકા છે. જોકે જિલ્લામાં હજુ ડાંગરની કાપણી મહત્તમ બાકી છે ત્યારે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને છેલ્લા બે ત્રણ વર્ષ પાછોતરા વરસાદે અનેક ખેડૂતોના ડાંગરની નુકસાની કરી હતી.

છુટાછવાયા સાધારણ વરસાદની આગાહી
સોમવારે કેટલીક જગ્યાએ સાધારણ છાંટણા પડ્યાં બાદ આગામી બે ત્રણ દિવસની ભારતીય મોસમ વિભાગે કરેલા આગાહીમાં પણ જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ સાધારણ વરસાદ પડશે એમ જણાવ્યું છે. જોકે વધુ પ્રમાણમાં વરસાદની નથી.

પૂર્વ પટ્ટીના ગામોમાં પાક તૈયાર પણ ...
નવસારી જિલ્લામાં હજુ મહત્તમ વિસ્તારોમાં ડાંગરની કાપણી શરૂ થઇ નથી. જોકે, નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીમાં આવેલ નાગધરા સહિતના કેટલાક ગામોમાં કેટલાક ખેડૂતોએ ડાંગરનો પાક તૈયાર થઇ ગયો હોય હાલ એક બે દિવસથી જ કાપણી શરૂ કરી છે. હવે જ્યારે કેટલીક જગ્યાએ સાધારણ વરસાદ પડવાનું શરૂ થયું છે ત્યારે જ્યાં કાપણી બાકી છે ત્યાં વધુ લંબાશે કે નહીં તે જોવુ રહ્યું. ભારે વરસાદની આગાહી થઇ નથી એ રાહતની વાત છે.

અન્ય સમાચારો પણ છે...