તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ગામોમાં ‘ઓનસ્પોટ રજીસ્ટ્રેશન’થી 18+ના રસીકરણની તૈયારી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવસારી જિલ્લાના 394 ગામમાં 18થી 45 વર્ષ વચ્ચેની વયના લોકોમાં વેક્સિનેશનનું પ્રમાણ વધારવા માટે સરકારનો પ્રયાસ
  • ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સેન્ટરો પર માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશનના કારણોસર સ્થાનિક લોકો કરતા શહેરીજનોનું રસીકરણ વધુ છે

નવસારી જિલ્લાના 394 ગામમાં 18થી 45 વર્ષ વચ્ચેની વયના લોકોના વેક્સિનેશનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી પડતા હવે ઓનલાઇનની સાથે ઓનસ્પોટ રજીસ્ટ્રેશનથી રસી આપવાની તૈયારી શરૂ થઈ છે.નવસારી જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 4 જૂનથી 18થી 45 વર્ષ વચ્ચેની ઉંમર વચ્ચેના યુવાનોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રસી આપવાની શરૂઆત થઈ હતી. આ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને અનેક કારણોસર તકલીફ થતી હતી.

જેને લઈને ગ્રામ્ય લોકોનું રજીસ્ટ્રેશન ઓછું થતું હતું અને ગામડાના રસીકરણ સેન્ટરો પર પણ શહેરના લોકો જ વધુ રજીસ્ટ્રેશન કરી રસી મુકાવી રહ્યાં છે. જેને લઈ ગ્રામ્ય લોકોનું પણ કોવિડનું રસીકરણ વધુ થાય તે હેતુ સિદ્ધ થતો ન હતો. આ બાબત સરકારના ધ્યાન પર પણ આવી રહી હતી. જેને લઈ હવે સરકારે ફરજિયાત રજીસ્ટ્રેશનના નિર્ણયમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના 394 ગામ છે ત્યારે આ ગામોના લોકોનું પણ ‘ઓન સ્પોટ રજીસ્ટ્રેશન’ કરી રસી આપવા તંત્ર તૈયારી શરૂ કરી છે.

રસીના પૂરતા ડોઝ થયા બાદ એક-બે દિવસ યા નજીકના દિવસોમાં આ પ્રમાણે રસીકરણ શરૂ થવાની શકયતા છે. ઓનલાઇન રજીસ્ટ્રેશનથી તો રસીકરણ જારી રહેશે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ઉભી થયેલી મુશ્કીલોનો અંત લાવવા હવે ઓનસ્પોટ રજીસ્ટ્રેશનથી હજારો યુવાઓને સરળતાથી રસીકરણનો લાભ મળી શકશે.

‘આદિવાસી જિલ્લા’ નવસારીના ગામડામાં તકલીફ વધુ
આમ તો રાજ્યના મહત્તમ ગામોમાં ગ્રામ્ય લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવામાં પડતી તકલીફ, ઈન્ટરનેટ કનેકટીવિટીની મુશ્કેલી, નેટવર્ક પ્રોબ્લેમ વગેરે કારણોસર ગ્રામ્ય લોકોનું રજીસ્ટ્રેશન ઓછુ થતું હતું. જોકે અહીંનો નવસારી જિલ્લો ‘આદિવાસી જિલ્લો’ હોઈ અહીંના અંતરિયાળ વિસ્તારોમાં મુશ્કેલી વધુ છે.

જિલ્લામાં 18+ રસીકરણના 50 હજારથી વધુ ડોઝ
જિલ્લામાં 4 જૂનથી શરૂ થયેલ 18+નું કોવિડ રસીકરણને 16મીએ 13 દિવસ પૂર્ણ થયા છે. શરૂઆતમાં જિલ્લાના 20 સેન્ટરો ઉપર સેન્ટરદીઠ 200-200 ડોઝ મળી 4 હજાર રસી અપાતી હતી, જે હાલ વધારી 5 હજાર જેટલી રસી અપાઇ છે. 15મી સુધીમા 18+નાા 51328 લોકોને રસીનો પહેલો ડોઝ અપાઈ ગયો છે. જ તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 13203, જલાલપોરમાં 10825, ગણદેવીમાં 11481, ચીખલીમાં 7368, ખેરગામમાં 2306 અને વાંસદામાં 6145 ડોઝ અપાયા છે.

શહેરોમાં ‘ઓનલાઈન રજીસ્ટ્રેશન’થી જ રસી
સરકારે ‘ઓનલાઈન’ની સાથે ‘ઓનસ્પોટ’ રજીસ્ટ્રેશન માટેની સૂચના માત્ર ગામડાં માટે જ આપી છે. જેને લઈને નવસારી જિલ્લાના શહેરી વિસ્તારોમાં તો અગાઉની જેમ જ ‘ઓનલાઈન રજીસ્ટ્રેશન’થી જ 18+નું રસીકરણ જારી રહેશે.

ત્રીજી લહેરથી યુવાનોને બચાવવા સોમવારથી રસીકરણ બેથી અઢી ગણું કરવા આયોજન
નવસારી જિલ્લામાં 18થી 45 વર્ષ વચ્ચેના યુવાનોની સંખ્યા અંદાજે 6.32 લાખ છે ત્યારે રસીકરણમાં 13 દિવસમાં સાધારણ જ વધારો કરાયો છે. જિલ્લામાં 4 હજારથી વધારી 5 હજાર ડોઝ આપવામાં આવી રહ્યાં છે. જોકે આ ગતિએ રસીકરણ થાય તો તમામને બે ડોઝ આપવામાં ઘણો સમય જાય અને આ સ્થિતિમાં ‘ત્રીજી લહેર’ જો આવી જાય તો 18+ના ઘણાં લોકો કોવિડની ઝપેટમાં આવી શકે ! આ સ્થિતિને ટાળવા સરકારે હવે 21મીને સોમવારથી રસીકરણનું પ્રમાણ બેથી અઢી ગણુ (રોજ 12થી 13 હજાર ડોઝ) આપવા તૈયારી શરૂ કરી છે અને તે માટે આરોગ્ય વિભાગે આયોજન પણ શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...