તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ખૂલ્યો:બામણવાડાના પૂર્વ ઉપસરપંચની પ્રિ-પ્લાન હત્યા , ‘પતિ પત્ની ઔર વો’માં ‘વો’ નો ભોગ લેવાયો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ પત્નીને કહ્યું હતું, પ્રેમી સાથે રહેવું છે કે મારી સાથે? પત્નીએ પ્રેમીને છોડવાનું કહેતા કાસળ કઢાયું
  • પ્રેમિકાના પતિને 5 લાખ ઉછીના આપ્યા હતા, જેમાંથી 1.50 લાખ પરત કર્યા હતા, રકમની લેતીદેતી પણ હત્યા માટે કારણભૂત

ચીખલી તાલુકાના બામણવાડા ગામનાં પૂર્વ ઉપસરપંચ નિલેશ છના પટેલ (ઉ.વ. 37, રહે. પટેલ ફળિયું, બામણવાડા, ચીખલી) ચીખલી કોલેજ રોડ પાસે આવેલી ડેરીમાં કામ કરતા હતા. 2જી માર્ચે નિલેશ પટેલ ડેરીમાં નોકરી કરી ઘરે પરત ન આવતા તેની બીજા દિવસે સાદકપોર બ્રહ્મદેવ બાપાનાં મંદિર પાસે તેની બાઈક અને નજીકમાં ખેતરના પાછળનાં ભાગેથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે આ બાબતે છ મહિના સુધી તપાસ કરી હતી. અંતે આ હત્યા પ્રેમ પ્રકરણ અને નાણાની લેતીદેતીમાં થઈ હોવાની માહિતી મળતા એલસીબીએ મૃતકની પ્રેમિકા અને તેના પતિએ હત્યાનો પ્લાન બનાવ્યો અને તેઓએ નિલેશ પટેલને મારી નાંખવા ગામનાં બે યુવાનને પૈસાની લાલચ આપીને તૈયાર કર્યા હોવાની માહિતી પોલીસે આપી હતી.

નવસારીનાં ચીખલીમાં બામણવાડાનાં નિલેશ પટેલની હત્યા બાબતે એલસીબીના પીઆઈ વી.એસ.પલાસના માર્ગદર્શ ન હેઠળ પીએસઆઈ કે.એચ પુવાર, હેકો જયેશ ગોવિંદભાઈ અને પોકો કિરણ ભગુભાઈએ સતત એક માસ વોચ રાખ્યા બાદ અને માહિતી મેળવી હતી. આ હત્યાનો ભેદ છ માસ બાદ ખુલ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ નિલેશ પટેલ (રહે. બામણવાડા, ચીખલી) ચીખલી કોલેજ રોડ પર આવેલ એક ડેરીમાં નોકરી કરતો હતો અને તેમની સામે કાપડની દુકાનમાં ચિન્મય રમેશ પટેલ (ઉ.વ. 37, રહે. ફડવેલ ભૂતિયા ફળિયા, ચીખલી) કામ કરતો હતો અને બપોરનાં સમયે તેની પત્ની ધર્મિષ્ઠાબેન (ઉ.વ.28) બપોરનાં સમયે ટિફીન આપવા આવતી હતી. તે દરમિયાન નિલેશની આંખ ધર્મિષ્ઠા સાથે મળી હતી. ધર્મિષ્ઠા અને નિલેશ સાથે પ્રેમસંબંધ બંધાતા જેની જાણ છેલ્લા 6 માસ અગાઉ પતિ ચિન્મય પટેલને થઈ હતી.

બે-ત્રણવાર ધર્મિષ્ઠાને પતિએ સમજાવી હતી પરંતુ સંબંધ રાખ્યો જ હતો અને અંતે કહ્યું કે મારી સાથે રહેવાની કે પ્રેમી સાથે ? જેથી તેણે પતિની માફી માંગી તારી સાથે રહેવું છે તેમ જણાવતા નિલેશ પટેલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને 2જી માર્ચે ઘરે પરત જતી વખતે નિલેશને સાદકપોર ધર્મિષ્ઠાએ પ્લાન મુજબ બોલાવી તેને મંદિર પાસે લઈ જઈ પતિ ચિન્મય અને તેના બે સાગરીતો દીપેશ હળપતિ અને મનોજ હળપતિને નાણાંની લાલચ આપી તેમની મદદ લઈને રાત્રિના સમયે હથિયાર સાથે તૂટી પડી જીવલેણ ઘા મારી પતાવી દીધો હતો અને લાશ અને બાઈક અલગ-અલગ જગ્યાએ મૂકીને પુરાવાનો નાશ કર્યો હતો. એલસીબી દ્વારા છેલ્લા 6 માસથી વણઉકેલ્યો હત્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી.

હત્યાનો પ્લાન સપ્તાહ પહેલા ઘડાયો હતો
આરોપી ચિન્મય પટેલ અને ધર્મિષ્ઠાનાં લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા અને સંતાન ન હતું. બપોરે ચિન્મયને જમવાનું ટિફીન આપવા જતા નિલેશ પટેલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નાણાની જરૂર પડતા નિલેશે ચિન્મયને આશરે 5 લાખ જેટલી રકમ આપી હતી અને 1.50 લાખ પરત પણ કર્યા હતા. સાડા ત્રણ વર્ષ પ્રેમસંબંધ રાખ્યા હતા. જેમાં બે વખત પત્નીને ચિન્મયે વોર્નિંગ આપી હતી. અંતે મારી સાથે રહેવાની કે પ્રેમી સાથે !તેમ કહેતા ચિન્મય પટેલે તેમના ત્યાં કામ કરતા બે યુવાનોને નાણાની લાલચ આપીને હત્યા માટે તૈયાર કર્યા. નિલેશ ક્યા રસ્તા પરથી આવે છે તેની એક સપ્તાહ સુધી રેકી કરી હતી અને 2જી માર્ચે ધર્મિષ્ઠાએ નિલેશને મળવા બોલાવ્યો અને પ્લાન મુજબ નિલેશની હત્યા કરી હતી.

ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિરિયલ જોઇ હત્યાનો પ્લાન ઘડ્યો
હત્યા કરનાર આરોપી ચિન્મય પટેલ અને પત્ની ધર્મિષ્ઠા ટીવી ઉપર ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નિયમિત જોતા હતા. નિલેશને મારવા માટેનો પ્લાન પણ તેઓએ સિરિયલ જોઈ બનાવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં ફોનનું લોકેશન ગુનાનું સ્થળ ન આવે તે માટે દરેકના ફોન પોતપોતાના ઘરે જ મૂકી દીધા, જે જગ્યા ઉપર સીસીટીવી ન હોય તેવા રસ્તાનો ઉપયોગ કર્યો, હત્યા કરતી વખતે ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે દરેકે હાથમાં સેલોટેપ બાંધી હતી, હત્યા બાદ કપડાં, ચંપલ, સેલોટેપ સળગાવી દીધા, મૃતક નિલેશનો મોબાઈલ અવાવરું જગ્યા ઉપર ફેંકી દીધો હતો અને હત્યા કરી હત્યામાં વપરાયેલા લોખંડનો સળિયો, પાઈપ, કોદાળીનાં હાથો તથા લાકડું ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો.

પોલીસ તપાસ ચકરાવે ચઢાવવાનો પ્રયાસ નિષ્ફળ
પોલીસે સતત એક માસ સુધી તપાસ કરી,પોલીસ તપાસ કરે ત્યારે હત્યારાઓ પણ જોવા આવતા હતા કે પોલીસ કેવી રીતે તપાસ કરે છે. ગામમાં કેટલાક લોકોને ખબર હોવા છતાં પોલીસને ચકરાવે ચઢાવી હતી. તેમ છતાં પોલીસને અંતે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી

અન્ય સમાચારો પણ છે...