પેટાચૂંટણીમાં મતદાન:નવસારી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયતની એક-એક બેઠક અને પાલિકાની બે બેઠક માટે રવિવારે મતદાન યોજાયું

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડામાં ઉત્સાહ, શહેરો નિરસ
  • બીલીમોરા અને ગણદેવી પાલિકાની પેટાચૂંટણીમાં ઓછું મતદાન, જિ.પં. ની રૂમલા અને વાંસદા તા.પં.ની ઝરી બેઠક ઉપર ભારે ધસારો

નવસારી જિલ્લામાં પેટાચૂંટણીમાં રવિવારે થયેલ એક-એક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે સારું મતદાન થયું હતું,જ્યારે પાલિકાની બે બેઠકોમાં પ્રમાણમાં ઓછું મતદાન થયું હતું. નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયતની રૂમલા અને વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક માટે તથા ગણદેવી પાલિકા અને બીલીમોરા પાલિકાની એક-એક બેઠક માટે યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. પંચાયતોની 2 બેઠકો માટે મતદાનમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નવસારી જિલ્લા પંચાયતની રૂમલા બેઠક ઉપર પેટાચૂંટણી હોવા છતાં અને તેની અસર જિલ્લા પંચાયતના શાસન પરિવર્તનમાં કોઈ ફરક પડે એમ ન હોવા છતાં ભારે મતદાન થયું હતું. આજ પ્રમાણે વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક માટે પણ ગ્રામ્ય મતદારોએ સારું મતદાન કર્યું હતું. જોકે પાલિકાની બે બેઠકો ઉપર મતદાન પ્રમાણમાં ઓછું થયું હતું.ગણદેવી પાલિકાની વોર્ડ ની ખાલી પડેલ બેઠક ઉપર 57.67 ટકા અને બીલીમોરા પાલિકાની વોર્ડ 6 ની બેઠક ઉપર તો 50 ટકાથી ઓછું મતદાન થયું હતું.

ગણદેવી પાલિકામાં 56.67 ટકા મતદાન
ગણદેવી પાલિકાના ભાજપી અગ્રણી મુનાફભાઈ માસ્તરનું નિધન થતા પાલિકાના વોર્ડ નં. 3ની ખાલી પડેલી બેઠક ઉપર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. જોકે મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો ન હતો અને માત્ર 56.67 ટકા જ મત પડ્યા હતા.

બીલીમોરાની પેટાચૂંટણીમાં માત્ર 47.17 ટકા
બીલીમોરા નગરપાલિકા વોર્ડ નં.6ની નગરસેવક ખાલી પડેલી સીટ ઉપર રવિવારે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં નગરપાલિકાના વોર્ડ ન. 6 માં પુરુષ મતદાર 2566 અને મહિલા મતદાર 2538 મળી કુલ 5105 મતદારો પૈકી સવારે 7 થી 9 કલાક દરમિયાન માત્ર 2.78 ટકા, સવારે 11 સુધી માં 10.40 ટકા, બપોરે 1 સુધીમાં 21.72 ટકા, બપોરે 3 કલાકે 34.08 ટકા, સાંજે 5 કલાકે 42.04 અને સાંજે મતદાન પૂર્ણ સમયે 47.17 ટકા મતદારોએ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. એટલે કે 1243 પુરુષ મતદાર અને 1165 મહિલા મતદારો મળી 2408 મતદારોએ મતદાન કર્યું હતું. પેટા ચૂંટણી હોય મતદારોએ મતદાનમાં ઓછો ઉત્સાહ દેખાડ્યો હતો. આ ચૂંટણી પરિણામો બાદ કોઈ સત્તા પરિવર્તન થવાનું નથી.

વાંસદાની ઝરી બેઠક ઉપર 73% મતદાન
વાંસદા તાલુકા પંચાયતની 28-ઝરી સીટના સદસ્ય અરવિંદભાઈ પટેલનું કોરોના મહામારીમાં અવસાન થવાથી આ જગ્યા ખાલી પડી હતી. વર્ષોથી આ બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ વિસ્તારમાં આવતી મહત્તમ પંચાયતો કોંગ્રેસના સરપંચો છે. આ ચૂંટણી માટે કોંગ્રેસ-ભાજપ ના આગેવાનો છેલ્લા કેટલાક દિવસોથી રાત દિવસ આ વિસ્તારમાં ધામાં નાખી પ્રચાર શરૂ કર્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ધનજીભાઈ ભગિયાભાઈ પટેલ અને ભાજપના ઉમેદવાર તરીકે સંજયભાઈ છોટુભાઈ પટેલ મેદાનમાં હતા. અંતે 73.04 ટકા જેટલું મતદાન થયું હતું.

રૂમલા બેઠક ઉપર 70.18 ટકા મતદાન
નવસારી જિલ્લા પંચાયતની ચીખલી તાલુકાની રૂમલા જિલ્લા પંચાયતની ખાલી પડેલી રૂમલા બેઠકની પેટાચૂંટણનું મતદાન રવિવારે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી થયું હતુ. જેના માટે વહેલી સવારથી જ મતદારોએ મતદાન કરવા માટે ઉત્સાહ બતાવી સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 70.18 ટકા જેટલું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રૂમલા જિલ્લા પંચાયતની આ બેઠક ઉપર ભાજપનો કબ્જો રહ્યો છે ત્યારે ભાજપના બાલુભાઈ જીવલાભાઈ પાડવી, કોંગ્રેસના મગનભાઈ કાળીદાસ ગાવિત અને આપના મનુભાઈ રમતુભાઈ ભુસારાના ઇવીએમમાં ભાવિ સીલ થયા છે.

​​​​​​​ડાંગની મહાલ બેઠક ઉપર 81 ટકા મતદાન
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પંચાયતની 12-મહાલ બેઠક પરથી જીત મેળવેલ ભાજપાનાં ઉમેદવાર રાજુભાઈ કાશીરામભાઈ પવારનું થોડા સમય પહેલા મૃત્યુ થતા આ બેઠક ખાલી પડી હતી. જેથી આ બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને થોડા દિવસ પૂર્વે આ બેઠક પર ભાજપ,કૉંગ્રેસ, આપ સહિત અપક્ષ પાર્ટીનાં ઉમેદવારોએ ફોર્મ રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠકની પેટાચૂંટણી માટેનું રવિવારે મતદાન થયું હતું. રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 1036 પુરુષ મતદારોએ તથા 928 સ્ત્રી મતદારો મળી કુલ 1964 મતદારોએ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંતે 81 ટકા મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...