પંચાયતની ચૂંટણીનો સંગ્રામ:જિલ્લાની 269 પંચાયતોની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ, 756 મતદાન કેન્દ્રો પર જવા પોલિંગ સ્ટાફ રવાના

નવસારીએક મહિનો પહેલા
  • શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું
  • જિલ્લામાં 104 બુથ અતિસંવેદનશીલ જાહેર કરાયા, 1994 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત તહેનાત
  • ચૂંટણી માટે 4900 લોકોનો વહીવટી સ્ટાફ ફાળવાયો, અતિસંવેદનશીલ કેન્દ્રો પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

ગ્રામ પંચાયતોની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. નવસારી જિલ્લામાં આવતીકાલે રવિવારે 273 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે ચૂંટણી જંગ ખેલાશે. જેના માટે નવસારી જિલ્લા તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લામાં 273 ગ્રામ પંચાયતોની ચૂંટણી આવતીકાલે રવિવારે થશે. જેમાં નવસારી તાલુકામાં 33 ગામો, જલાલપોર તાલુકામાં 36 ગામો, ગણદેવી તાલુકામાં 51 ગામો, ચીખલી તાલુકામાં 62 ગામો, વાંસદા તાલુકામાં 65 ગામો અને ખેરગામ તાલુકામાં 22 ગામોનો સમાવેશ થાય છે. તમામ ગામોમાં સરપંચ અને વોર્ડ સભ્યો માટે આવતીકાલે સવારે 7:00 વાગ્યાથી મતદાન મથકો પર મતદાન શરૂ થશે. જેના માટે આજથી જ પોલિંગ સ્ટાફને મતદાન સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યો છે.

જિલ્લામાં ચૂંટણી માટે 4900 લોકોનો વહીવટી સ્ટાફ ફાળવાયો છે. આજે શનિવારે તાલુકા કક્ષાના મતદાન ડિસ્પેચ સેન્ટરો પરથી જિલ્લાના 97 રૂટ પર 100 સુપરવાઇઝર સાથે વિભિન્ન વાહનોમાં 756 મતદાનકેન્દ્રો પર પોલિંગ સ્ટાફ મોકલવામાં આવ્યો હતો. જિલ્લામાં 104 અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિત કુલ 1994 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.

અન્ય સમાચારો પણ છે...