પેટા ચૂંટણી:નવસારીમાં ખાલી પડેલી 4 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, કુલ 11 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાઓની બે જિલ્લા પંચાયતની એક તેમજ વાંસદા તાલુકા પંચાયતની એક બેઠક માટે મતદાન યોજાયું
  • શહેર કરતાં ગ્રામ્ય બેઠકો પર વધુ મતદાન નોંધાયું

કોરોનાની બીજી લહેરમાં નવસારીમાં નગરપાલિકાઓના બે નગરસેવકો અને જિલ્લા પંચાયતના એક સભ્ય તેમજ વાંસદા તાલુકા પંચાયતના એક સભ્યનું અવસાન થયું હતું. જેથી ખાલી પડેલી ચાર બેઠકો માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં પેટા ચૂંટણી માટે મતદાન થયું છે. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં શહેર કરતાં ગ્રામ્ય બેઠકો પર વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે મતદાન સાથે કુલ 11 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. આજે રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નોંધાયેલા મતદાન પર નજર કરીએ તો ગણદેવી નગરપાલિકાના વોર્ડ નં. 3ની એક બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી મેદાનમાં હતા.

જેમાં કુલ 2041 મતદારોમાંથી 1132 મતદારોએ મતદાન કરતા 55.46 ટકા મતદાન નોંધાયું છે. બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નં. 6 ની એક બેઠક માટે નોંધાયેલા 5105 મતદારોમાંથી 2146 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 46.04 ટકા મતદાન નોંધાયું છે. નવસારી જિલ્લા પંચાયતની 18 - રૂમલા બેઠક ઉપર પણ ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો માટે આજે યોજાયેલા મતદાન કુલ 22,389 મતદારોમાંથી 15,226 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 68 ટકા મતદાન કર્યું હતું. ઉપરોક્ત ત્રણેય બેઠકો ભાજપ પાસે હતી. જ્યારે કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદા તાલુકાની તાલુકા પંચાયતની 28 - ઝરી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ રહ્યો છે. જેમાં નોંધાયેલા કુલ 6599 મતદારોમાંથી 4425 મતદારોએ મતદાન કરતા 70 ટકા મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, મતદાનની અંતિમ ટકાવારી હજુ સુધી મળી શકી નથી. જોકે, ચારેય બેઠકો પર ચૂંટણી જંગ ખેલનારા 11 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થયું છે. જે 5 મી ઓક્ટોબરને મંગળવારે EVM ખુલતાં મતદારોએ કયા ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂક્યો છે એની ખબર પડશે.નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાના વોર્ડ નં. 3 ના નગરસેવક મુનાફ માસ્તર, બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નં. 6 ના નગરસેવક રંજનબેન દેસાઈ, વાસદા તાલુકા પંચાયતની 28 ઝરી બેઠકના સભ્ય અરવિંદ પટેલ તેમજ નવસારી જિલ્લા પંચાયતની 28 રૂમલા બેઠકના સભ્ય નગીન ગાવિત કોરોનાનો શિકાર બન્યા હતા અને ચારેય સભ્યોનું અવસાન થતાં બેઠકો ખાલી પડી હતી. જે ખાલી પડેલી ચારેય બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે સવારે 7 વાગ્યાથી મતદારોએ ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ નગરપાલિકા કરતા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતદારોનો ઉત્સાહ વધુ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...