ક્રાઈમ:વાંસદા-વઘઇ રોડ પર ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ ઠેરની ઠેર

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇનોવા કારની લૂંટ ચલાવનાર પોલીસ પહોંચથી દૂર

વાંસદાથી વઘઇ રોડ પર આવેલા તાડપાડા ગામની હદમાં વિસગુલિયા રોડ પર ઇનોવા કારના ચાલક પર બે અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી તેને ઘટના સ્થળે જ લોહીલુહાણ હાલતમાં છોડી કારની લૂંટ ચલાવી ભાગી જવાની ઘટનામાં નવસારી પોલીસની ત્રણ ટીમ ઘટનાનું પગેરૂ મેળવવા કામગીરી કરી રહી છે. જોકે, એકપણ ટીમને તેમાં આરોપી સુધી પહોંચવા સફળતા મળી નથી. જ્યારે હુમલાનો ભોગ બનનાર શખસના મોઢા અને ગરદનના ભાગેથી ગોળી કાઢી સારવાર અપાઇ રહી હોવાની માહિતી સાંપડી છે.

વિસગુલિયા રોડ પર ઇનોવા કાર ભાડે લઇ નાસીકથી અમદાવાદ તરફ જતા અજાણ્યા બે શખસોએ કારચાલક જય સોમનાથ ધગડે રહે. નાસીક, મહારાષ્ટ્રને સવારે 6 કલાકની આસપાસ લઘુશંકાના બહાને કાર ઉભી રખાવી હતી. જય ધગડે એ કાર ઉભી રાખતા તેના પર ફાયરિંગ કરી જાનથી મારી નાંખવાની કોશિષ કરી હતી. આ ઘટનામાં કારચાલકને ગરદન અને મોઢાના ભાગે ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત ચાલકને હુમલાખોરો મૂકી કાર લઇને ફરાર થઇ ગયા હતા.

ઇજાગ્રસ્ત કારચાલકને 108માં સૌ પ્રથમ વાંસદા કોલેજમાં સારવાર અપાયા બાદ વલસાડ અને ત્યાંથી નાસીક ખાતે ખસેડાયો હતો. જ્યારે નવસારી જિલ્લા પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે વાંસદા-વઘઇ રોડના 10 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી ચૂકી છે. આ ઉપરાંત એલસીબી, એસઓજી અને સીપીઆઇની ટીમ આ કેસમાં વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે. જોકે, ઇજાગ્રસ્ત કારચાલકનું નિવેદન આ કેસમાં મહત્વનું સાબિત થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...