નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં દરેક ગામોમાં પોલીસ હવે કાયદાના રક્ષકની સાથે ગ્રામવાસીઓની દરેક તકલીફોના સમાધાન પણ કરશે તે માટે સુરત રેંજ આઈજી દ્વારા ગામદૂતનો પ્રોજેકટ અમલમાં મુક્યો છે. જેમાં નવસારી જિલ્લામાં સમાવિષ્ટ 387 ગામોમાં પાલિકાના વોર્ડ વાઇઝ વિસ્તારમાં 406થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષાની સાથે ગામદૂત બની ગ્રામજનોના સુખ-દુઃખના દરેક કામોમાં સાથ આપશે. જેથી પ્રજા પણ પોલીસની કામગીરીથી સંતોષ અનુભવે તે માટે પોલીસ ગામદૂત બની સાચા અર્થમાં પ્રજાના દૂત બનશે.
સુરત રેંજના એડિ. ડીજીપી એસપી.રાજકુમાર દ્વારા ગામદૂત પ્રોજેકટની સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શરૂઆત કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લામાં આવેલ 387 ગામમાં અને નગરપાલિકાના 28 વોર્ડમાં 406 જેટલા પોલીસકર્મીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં છેવાડાના લોકો સુધી મિટીંગ કરીને ઘણાં પ્રશ્નોના ઉકેલ પણ મેળવ્યા છે.
પોલીસ ગુનેગારો અને બદી દૂર કરવાની સાથે પોલીસ સામાજિક રીતે લોકોની એકદમ નજીક જઈ ગામદૂતની જવાબદારી અદા કરી પ્રજામાં પોલીસનો વિશ્વાસ વધે તે માટે સામાજિક જવાબદારી અદા કરી રહ્યાં છે. તમામ તાલુકાઓમાં મિટીંગનું આયોજન કરીને પોલીસમાં પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી રહ્યાં છે. એક માસથી આ પ્રોજેકટ હેઠળ કામગીરી શરૂ થઈને લોકોના ઘણા પ્રશ્નોના નિરાકરણ કર્યા છે.
પુનર્વસનનું કાર્ય પણ કરાશે
દારૂ ગાળવા અને વેચાણની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મહિલાઓના પુનર્વસન માટે પોલીસ અધિક્ષક મારફતે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ઔદ્યોગિક સંગઠનો, સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરી તેમને કૌશલ્ય વિકાસની તાલીમનું આયોજન તેમજ રોજગારી અપાવાની કામગીરીના પ્રયત્નો હાથ ધર્યા છે.
સૂચનપેટીથી સમસ્યા નિવારાશે
દરેક ગ્રામ પંચાયતમાં ફરિયાદ સૂચન પેટી રાખવામાં આવી રહી છે. નાગરિક પોતાની રજૂઆત નિર્ભય રીતે કરી શકે, પોલીસે પોતાની અઠવાડિક વિઝીટ-મુલાકાત દરમિયાન મળેલ સૂચનને ધ્યાને લઇ જે તે વિભાગ સાથે પરામર્શ કરી સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિવારણ કરવાની કાર્યવાહી કરે છે. તે માટે સૂચન પેટી પણ મુકવામાં આવી છે.
ગામમાં શાંતિ અને સુરક્ષા રહેશે
અમારા ગામમાં પોલીસ અને તેમનો સ્ટાફ આવ્યો હતો. તેઓએ સામાજિક જાગૃતિને લગતા કાર્યક્રમો કર્યા હતા અને ત્યારબાદ મહિલા સશક્તિકરણને લગતા અને બાળકોની સુરક્ષા વિશે અધિકારીઓએ પ્રવચન આપ્યું હતું. ગામદૂત સારી યોજના છે. અમારું ગામ શાંતિમય અને સુરક્ષિત રહેશે. > ભરતભાઈ પટેલ, સરપંચ, વાંસી, તા.જલાલપોર
પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાશે
નવસારી જિલ્લામાં આવેલા 387 ગામોમાં અને 3 પાલિકાના 28 વોર્ડમાં 406 જેટલા પોલીસ કર્મીની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ફાળવાયેલા પોલીસ કર્મચારીઓ પૈકી તાલીમ લીધેલ કર્મચારીની સંખ્યા 363 છે. ગામદૂત પ્રોજેકટથી પ્રજામાં પોલીસનો વિશ્વાસ જળવાઈ રહી કોઈપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ આવે તે માટે ગામદૂત પ્રયત્નો કરશે. એક માસથી ગામદૂત યોજના અમલમાં છે. > કે.એચ ચૌધરી, પીઆઇ, નોડલ ઓફિસર એલઆઈબી, નવસારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.