દુર્ઘટના:મરોલી સુગરમાં રિનોવેશન વેળા પહેલા માળની પ્લેટનો સ્લેબ તૂટ્યો; 9ને ઇજા, 2 ગંભીર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનનું બાંધકામ કરતી વખતે આકસ્મિક રીતે સ્લેબ તૂટી પડતા 11 શ્રમજીવીઓ પર પ્લેટ પડી, 2 ખસી જતા આબાદ બચાવ
  • હાથ-પગ અને માથાના ભાગે ઇજા થતાં તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા, બે જણાં આઇસીયુમાં ખસેડાયા

નવસારીમાં આવેલ મરોલી સુગર ફેકટરી પુનઃ શરૂ કરવામાં આવનાર હોય હાલમાં રિનોવેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે. મરોલી સુગર ફેકટરીમાં મકાનનું બાંધકામ કરતી વખતે આકસ્મિક રીતે પહેલા માળેથી પ્લેટવાળો સ્લેબ તૂટી પડતા 11 જેટલા શ્રમજીવીઓ ઉપર પ્લેટ પડી હતી. જેમાં બે યુવાન બાજુમા ખસી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે નવ શ્રમજીવીઓ ઉપર પ્લેટ પડતા તમામને હાથ-પગ તથા માથાના ભાગે ઇજા થઈ હતી. જેમાં બેને ગંભીર ઇજા થતાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નવસારીમાં આવેલ અને હજારો લોકોને રોજગારી આપતી મરોલી સુગર ફેકટરી આમ તો ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. હવે સુગર ફેકટરીનું કામકાજ શરૂ કરવામાં આવનાર હોય પહેલા રિનોવેશનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. સોમવારે સવારે 11 શ્રમજીવીઓ કામ કરવા ચડ્યા હતા ત્યારે આકસ્મિક રીતે મરોલી સુગર ફેકટરીમાં મકાનનું બાંધકામ કરતી વખતે પહેલા માળેથી પ્લેટવાળો સ્લેબ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં બે યુવાનો સલામત સ્થળે ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 9 લોકોને શરીરે ઇજા થતાં સારવાર માટે યશફીન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જેમાં બે યુવાનને ગંભીર ઇજા થતાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યાં હતા. ઘટના અંગે પીએસઆઈ ડી.ડી.રાવલ તપાસ કરી રહ્યાં છે.

ઇજાગ્રસ્ત શ્રમિકોની યાદી
છોટે વિશ્વનાથ ગુપ્તા, નંદલાલ, જદુરાય રાજભર, ભીમ દુર્બલ માડી, દયાભાઈ, શશી ચૌહાણ, અજય પાલ, બલરામભાઈ, વસંતભાઈ પાટીલ (તમામ હાલ રહે. મરોલી સુગર ફેકટરી)

પોલીસે જાણવાજોગ નોંધ લીધી
મરોલી સુગર ફેકટરીમાં રિનોવેશન દરમિયાન પ્લેટવાળો સ્લેબ તૂટી પડતા ઘટના ઘટી હતી. જેમાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકોને ઇજા પહોંચી હતી. પોલીસે જાણવા જોગ ફરિયાદ લીધી હતી. આ ઘટનામાં ઇજા પામનરની સંખ્યા 9 હતી તેની સામે 6ની પોલીસે નોંધ લીધી હતી.

ભાનમાં આવ્યાં ત્યારે હોસ્પિટલમાં હતા
અમે કામ કરવા માટે ગયા અને અચાનક સ્લેબ ઉપરથી આવ્યો અને અમે 11 લોકો હતા તે બધા સ્લેબ નીચે આવી ગયા હતા. ત્યારબાદ શું થયું તેની ખબર નથી. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે હોસ્પિટલમાં હતા. હાલ અમારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. > દયા ગુપ્તા, ઈજાગ્રસ્ત શ્રમજીવી

અન્ય સમાચારો પણ છે...