પેટ્રોલના ભાવ કેમ વધી રહ્યા છે?:નવસારીમાં પેટ્રોલનો ભાવ 100ને પાર પહોંચ્યો, મંત્રી કનુભાઈ દેસાઈને સવાલ કરાતા કહ્યું- 'ગુજરાતમાં બીજા રાજ્ય કરતા ભાવ ઓછા છે'

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ કહ્યું- 'પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિધાનસભામાં જવાબ આપી ચૂક્યા છીએ'

ગુજરાત સરકારમાં નાણાં અને પેટ્રોલિયમ પ્રધાન અને નવસારીના પડોશના વલસાડ જિલ્લાના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ આજે જન આશીર્વાદ યાત્રા લઈને નવસારી પહોંચ્યા હતા. અહીં પેટ્રોલના વધતા ભાવ માટે પેટ્રોલિયમ પ્રધાન કનુભાઈએ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં પેટ્રોલના ભાવ ઓછા હોવાનું જણાવી બીજું કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.

ગુજરાતમાં સત્તા પરિવર્તન બાદ ભુપેન્દ્ર પટેલની નવનિયુક્ત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોલિયમ પ્રધાન કનુ દેસાઈ આજે નવસારીની જનતાના આશીર્વાદ મેળવવા જન આશીર્વાદ યાત્રા લઈને નીકળ્યા હતા. નવસારીના ગણદેવી તાલુકામાં જન આશીર્વાદ યાત્રા ફરી નવસારી પહોંચી હતી. નવસારીનાં લુન્સીકૂઇ ખાતે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની પ્રતિમાને પુષ્પ વંદના કર્યા, બાદ પેટ્રોલિયમ પ્રધાન કનુ દેસાઇએ જન સભા સંબોધી હતી.

અહીં તેમણે નવસારી અને જલાલપોરના ધારાસભ્ય દ્વારા લાંબા સમયથી ગ્રાન્ટને કારણે અટકેલા ૬૦૦ કરોડના કામોને વહેલી મંજૂરી આપવામાં આવશે એવી હૈયાધરપત પણ આપી હતી. સાથે જ રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટે પણ વિશાળ પાંજરાપોળ બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. નવસારીમાં આજે પેટ્રોલ 100 રૂપિયાને પાર થયું છે, ત્યારે નવનિયુક્ત પેટ્રોલિયમ પ્રધાને પેટ્રોલનો ભાવ ઉતારવા મુદ્દે સરકાર શું પગલા લેશે નો સવાલ કરતા, પેટ્રોલિયમ પ્રધાન કનું દેસાઈએ આ મુદ્દે વિધાનસભામાં જવાબ આપી દીધો છે અને અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ ઓછા હોવાનું જણાવી બીજું કંઈ પણ કહેવાનું ટાળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...