નવસારીના કસ્બાપારથી ધોળાપીપળા જતા માર્ગ પર બે દિવસ અગાઉ પડઘા પાટિયા પાસે પુરઝડપે દોડતા કન્ટેનર ટ્રક પરથી કન્ટેનર છુટુ પડી ઇકો કાર પર પડતાં પાંચ જિંદગીઓનો કરૂણ અંત આવ્યો હતો. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 24 કલાક દોડતા આવા ભારે વાહનોની અવર-જવર બંધ કરાવવા આજે કસ્બાપારથી ધોળાપીપળા માર્ગ પર આવતા 5 ગામડાઓના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ 15 મે, સુધીમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
નેશનલ હાઇવે પર આવતા ટોલનાકા પર ટેક્ષ બચાવવાના ચક્કરમાં ભારે વાહનો નવસારી જિલ્લાના આંતરિક ગ્રામ્ય માર્ગોનો ઉપયોગ કરતા હોય છે, જેમાં ઘણીવાર અકસ્માતો થતા લોકોએ જીવ પણ ગુમાવવો પડે છે. બે દિવસ અગાઉ કસ્બાપારથી ધોળાપીપળા માર્ગ પર પડઘા પાટિયા પાસે પુરઝડપે દોડતા કન્ટેનર ટ્રકના ચાલકે ઓવરસ્પીડમાં જ વળાંક લેતા કન્ટેનર ટ્રકથી છુટૂ પડી ગયુ હતું. જે બાજુમાંથી પસાર થતા સમરોલીના પટેલ પરિવારની ઇકો કાર પર પડતા, અંદર બેઠેલા 6માંથી 5નાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં.
નોંધનીય છે કે સુરતના ભાટિયા ટોલનાકાનો ટેક્ષ બચાવવા જતા ભારે વાહનો કસ્બાપારથી ધોળાપીપળા માર્ગ પરથી આવનજાવન કરે છે. 24 કલાક દોડતા આવા ભારે વાહનોની અવર-જવર અટકાવવાની ગ્રામજનોની વર્ષોની માંગ પર આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે આજે ફરી કસ્બાપાર, આમડપોર, કાદીપોર, પડઘા, આમરી, ધોળાપીપળા ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ધોળાપીપળા અને મરોલી ચાર રસ્તા પાસે કાયમી પોલીસ ચેકપોસ્ટ બનાવવામાં આવે અને આંતરિક માર્ગનો ઉપયોગ કરતા ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે તેમજ આમરી, પડઘા, કસ્બાપાર સહિતના ગામોમાં સ્પીડ બ્રેકર મુકવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
વધુમાં જણાવાયું હતું કે ડમ્પર અને કન્ટેનર જેવા હેવી વાહનો હંકારતા મોટાભાગના વાહન ચાલકો નશાની હાલતમાં હોય છે. જેથી જો તંત્ર ભારે વાહનોને અટકાવી ન શકે, તો ગ્રામજનોને વાહનોને અટકાવવાની લેખિતમાં મંજૂરી આપવાની માંગણી કરી છે. જો 15 મે સુધીમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો ગાંધીમાર્ગે આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા કલેક્ટર અને તંત્રની રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સમગ્ર મુદ્દે જિલ્લા કલેક્ટરે કસ્બાપારથી ધોળાપીપળા માર્ગ પરથી ટોલ બચાવવા અવર-જવર કરતા ભારે વાહનોને અટકાવવા જિલ્લા રોડ સેફ્ટી કમિટીની વહેલી બેઠક બોલાવી, ભારે વાહનોને અટકાવવાના પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.
ટોલ ટેક્સ બચાવવા રૂટ બદલતા ડ્રાઇવરો
નવસારી જિલ્લામાં બોરીયાચ નજીક ને. હાઈવે 48 પર ટોલનાકુ છે. અહીં વાહનો પાસે ટોલટેકસ લેવામાં આવે છે. આ ટોલટેક્સ બચાવવા અનેક ભારે વાહનો નવસારી-મરોલી રોડ, કસ્બા-ધોળાપીપળા, નવસારી-ગણદેવી રોડ જેવા માર્ગ પરથી પુન: હાઈવે પર જઈ ટોલટેક્સ બચાવી લે છે. ભારે વાહનોના ડ્રાઈવરોની આ નીતિરીતિ ભયજનક સ્થિતિ પેદા કરી રહીં છે.
ધોળાપીપળાથી મરોલી ચાર રસ્તા સુધીના રસ્તે બમ્પ મુકો...
આમ તો ભારે વાહનોથી થતા અકસ્માતને લઈ કસ્બા વિસ્તારના ગ્રામજનોમાં નારાજગી હતી જ પરંતુ સોમવારના ગોઝારા અકસ્માતમાં પાંચ જણાંના મૃત્યુની ઘટના બાદ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને કસ્બા, આમરી, કાદીપોર વિસ્તારના ગ્રામજનોનો મોરચો ગુરૂવારે નવસારી કલેકટર કચેરીએ પહોંચ્યો હતો અને ત્યાં કલેકટર અમિત યાદવને મળી ભારે વાહનોની અવરજવર સંદર્ભે લેખિત, મૌખિક રજૂઆત કરી હતી. તેઓએ કલેકટર સમક્ષ ધોળાપીપળાથી આમરી-કસ્બા થઈ મરોલી ચાર રસ્તા સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકવાની માગ સાથે ઉક્ત માર્ગો ઉપર લોકોની સુરક્ષા માટે ‘બમ્પ’ બનાવવાની માગ કરી હતી.
અનેક પ્રોજેક્ટોથી પણ ભારે વાહનોની અવરજવર વધી
હાલ નવસારી જિલ્લામાં વિકાસના અનેક નાના-મોટા પ્રોજેક્ટો ચાલી રહ્યાં છે, જેમાં બ્રિજ, રોડ, બાંધકામના પ્રોજેક્ટો તો છે સાથે સૌથી મોટો પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો પણ છે. જેને લઈને આ પ્રોજેક્ટો માટે જરૂરી માટી, કપચી યા અન્ય સામાનોની હેરફેર ડમ્પર સહિતના વાહનો દ્વારા થઈ રહી છે. આ વાહનોને અટકાવવા યા નિયંત્રિત કરવા તંત્ર માટે મુશ્કેલ બન્યું છે.
..તો 15મીથી આંદોલન કરીશું
જો તંત્ર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય ન લે અને અમારા રસ્તા પર બમ્પર નહીં મુકે તો ગ્રામજનોને 15મી મેથી ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. >પરેશ નાયક, અગ્રણી, કસ્બા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.