બેદરકારી:નવસારીમાં નગરપાલિકા હાઇસ્કૂલ ખાતે કોરોના રસી લેવા ભેગા થયેલા લોકો પાવરકટને કારણે હેરાન થયા

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશન સેન્ટરમાં વહીવટીતંત્રની બેદરકારીના કારણે વીજપુરવઠો ખોરવાયો

કોરોનાની મહામારીમાં બચવા માટે એકમાત્ર સંજીવની તરીકે વેક્સિનની શોધ વૈજ્ઞાનિકોએ કરી છે. ત્યારે હાલમાં 18 વર્ષથી લઈને 45 વર્ષના તમામ લોકો માટે વેક્સિનેશનની શરૂઆત થઈ છે. જે પૈકી નવસારી શહેરમાં પણ અનેક સેન્ટરોમાં વેક્સિનેશન આપવાની કામગીરી કાર્યરત છે. જે પૈકી નવસારી નગરપાલિકા હાઇસ્કૂલ ખાતે ભેગા થયેલા લોકો ગરમીમાં હેરાન થયા હતા. જેમાં નગરપાલિકા હાઇસ્કૂલ ખાતે રસી લેવા ભેગા થયેલા લોકોને પાવરકટને કારણે પસીને રેબઝેબ થયાનો અહેસાસ થયો છે.

વેક્સિન લઈને અડધો કલાક ગરમીમાં બેસવાનો વારો આવ્યો

વિજકંપની દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે આજે કેટલાક કલાકો માટે પાવર કાપ રાખ્યો છે. જેને લઇને વેક્સિન લેનાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે વેક્સિન લીધા બાદ અડધો કલાક સુધી વેક્સિનેશન સેન્ટર પર બેસવું પડે છે. તેવામાં પાવર કટને કારણે વેક્સિન લઈને અડધો કલાક ગરમીમાં બેસવાનો વારો આવ્યો હતો.

લોકોએ અડધો કલાક રાહ જોવાને બદલે ચાલતી પકડી

ગરમીથી થાકેલા અનેક લોકોએ અડધો કલાક રાહ જોવાને બદલે ચાલતી પકડી હતી. વેક્સિનેશન સેન્ટરમાં આટલી સંવેદનશીલ કામગીરી ચાલતી હોય ત્યારે વહીવટીતંત્ર અને વીજ તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે વેક્સિન સેન્ટર પર વીજળીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં મળી રહે તેની તકેદારી રાખવી જોઇએ તેવી પણ માંગ લોકો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...