પ્લેટફોર્મ પર પટકાયા:નવસારી રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવાની લ્હાયમાં પાસ હોલ્ડરો પ્લેટફોર્મ પર પટકાયા, પાસ હોલ્ડરની ટ્રેનમાં કોચ વધારવા માંગ

નવસારીએક મહિનો પહેલા
  • આપના કાર્યકરે સમસ્યાનો વીડિયો શૂટ કરી સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો
  • વલસાડ-દાહોદ ઈન્ટરસિટી ટ્રેન ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગના કર્મીઓ માટે ઉપયોગી
  • રેલવે તંત્ર પાસના પૈસા લઈને સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયું
  • હાલમાં 14થી 15 કોચ સાથે દોડી રહેલી ટ્રેનમાં 24 કોચ કરવા માંગ

નવસારી જિલ્લાના બીલીમોરા-અમલસાડ-નવસારી-મરોલી એમ કુલ ચાર રેલવે સ્ટેશનો પરથી સુરત જવા માટે હજારોની સંખ્યામાં પાસહોલ્ડરોનો વર્ગ વહેલી સવારે ટ્રેન પકડે છે. જેમાં વલસાડથી દાહોદ જતી ઇન્ટરસિટી ટ્રેનનો સમય ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગ સાથે સંકળાયેલા કામદારો અને કર્મચારીઓ માટે અનુકૂળ બની રહ્યો છે. પરંતુ પાસ હોલ્ડરોને ઓછા કોચ સાથે દોડતી ટ્રેનમાં હાલાકીનો કોઈ પાર રહ્યો નથી તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નવસારી રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવાની લ્હાયમાં પાસ હોલ્ડરો પ્લેટફોર્મ પર પટકાતા જોવા મળે છે.

કોરોના કાળ બાદ શરૂ થયેલા ઉદ્યોગ-ધંધા મધ્યમવર્ગને રાહત આપી રહ્યા છે. મજૂર અને કામદાર વર્ગ પણ કોરોનામાં થયેલી ખોટને પૂરી કરવા માટે નિયમિત રીતે નોકરી-ધંધા પર જઈ રહ્યા છે, જેના માટે રેલવે એકમાત્ર સસ્તુ અને વહેલું પહોંચાડતું માધ્યમ છે. પરંતુ ટ્રેનમાં મુસાફરી કરનારા પાસ હોલ્ડરોને ઓછા કોચને લીધે પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે, જેનો એક વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સના નામે મીંડુ

ગઈકાલે નવસારી જિલ્લામાં કોરોનાના 7 કેસ નોંધાયા હતા, જેથી તંત્ર તમામને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ રેલવે પકડવાની મજબૂરીમાં રેલવે તંત્રના પાપે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકતું નથી. નવસારીથી હજારોની સંખ્યામાં પાસ હોલ્ડર વર્ગ અપડાઉન કરે છે, પરંતુ તેની સામે કોચની સંખ્યા નહિવત છે.

આપના કાર્યકર મહેશ બાસ્ટીકરે કોચ વધારવા મુહિમ ચલાવી
આપના કાર્યકર મહેશ બાસ્ટીકરે કોચ વધારવા મુહિમ ચલાવી

ટ્રેન વલસાડથી એટલી ભરેલી આવે છે કે નવસારીમાં ટ્રેન પકડવાની લ્હાયમાં પાસ હોલ્ડરો પ્લેટફોર્મ પર પટકાયા હતા. ઘર ચલાવવાની જવાબદારીમાં ઘેરાયેલો મધ્યમવર્ગ પાસના પુરેપુરા પૈસા ચૂકવીને પ્લેટફોર્મ પર પટકાઇને પણ બોલી શકતો નથી. છતાં સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યો આ સમસ્યા DRM કે રેલવે મેનેજર સામે મુકતા નથી.

ધારાસભ્ય ZRUCC સભ્ય, છતાં કોઈ કામગીરી નહિ

રેલવે મુસાફરોના પ્રશ્નોને મુંબઈની રેલવેની હેડઓફિસ સુધી પહોંચાડવા માટે દરેક રેલવે સ્ટેશન પર ZRUCC મેમ્બરની નિયુક્તિ કરવામાં આવે છે. પરંતુ આ પદ નવસારીમાં શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. MLA પિયુષ દેસાઈ ZRUCC મેમ્બર હોવા છતાં આજ સુધી તેમણે રજૂઆત મુંબઈ ઓફિસમાં નથી કરી. રેલવે તંત્ર પાસના પૈસા લઈને સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયું છે.

મહેશ બાસ્ટીકરે આ સમસ્યાનો વીડિયો શૂટ કર્યો

આપના કાર્યકર મહેશ બાસ્ટીકરે આ સમસ્યાનો વીડિયો શૂટ કરીને પાસહોલ્ડરની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઉપરાંત તેમણે આ સમસ્યા માટે અનેક વખત આવેદન આપ્યું છે, છતાં પાસહોલ્ડરોની સુવિધામાં કોઈ વધારો થયો નથી. નવસારી રેલવે કમિટીમાં સભ્ય સંતોષ લુટાણીએ ચાર-પાંચ દિવસ પહેલા આ સમસ્યાને લઈને DRMને રજૂઆત કરી હતી. જેમાં હાલમાં 14થી 15 જનરલ કોચ સાથે દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં 24 કોચ ફાળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેને લઈને રેલવે વિભાગે પણ આ વાતની નોટિસ લઈને ટૂંક સમયમાં કોચ વધારવામાં આવશે તેવો જવાબ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...