ઘર બનાવવા સહાય ક્યારે મળશે?:નવસારીના દાંડીવાડમાં ઘર વિહોણા ત્રણ પરિવારોને સહાયની જાહેરાત બાદ પણ પાલિકાએ સહાય ન ચૂકવતાં રોષ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરમલાનું ઝાડ જમીનદોસ્ત થતાં ત્રણ ઘરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો

ઘર માથે પડેલી કુદરતી આફતે નવસારીના દાંડીવાડમાં રહેતા ત્રણ આદિવાસી પરિવારોના માથેથી છત છીનવી લીધી છે. દોઢ મહિના અગાઉ ચોરમલાનું વિશાળકાય ઝાડ જમીનદોસ્ત થતા ત્રણ ઘરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેને કારણે ત્રણ આદિવાસી પરિવારોએ મજબૂરીમાં નજીકની જર્જરીત સ્કૂલમાં આશરો લેવો પડ્યો હતો. જ્યારે ઘર બનાવવા પાલિકાએ આર્થિક સહાયની જાહેરાત કર્યા બાદ પણ આજ દિન સુધી મદદરૂપ ન થતા અસરગ્રસ્ત પરિવારોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે.

નવસારીના દાંડીવાડમાં દોઢ મહિના અગાઉ વિશાળકાય ચોરમલાનું ઝાડ ધરાશાયી થતા પાંચ આદિવાસી પરિવારોના ઘર ઉપર પડ્યું હતું. જેમાં ત્રણ ઘરોને સંપૂર્ણ નુકશાન થયું હતું અને ઘર વખરી પણ ઝાડ નીચે દબાતાં ત્રણેય પરિવારોને માથા પરથી છત જતા આકાશ નીચે રહેવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક નગરસેવકો અને પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં ત્રણેય પરિવારોને નજીકની જર્જરિત થયેલી શાળામાં રાખવા રૂમ ફાળવી આપ્યા હતા. જ્યારે શાળા જર્જરિત હોવાથી પરિવારો ભયના ઓથા હેઠળ રહી રહ્યા છે અને પોતાનું ઘર વહેલું બનાવી શકાય એવા પ્રયાસો હાથ ધર્યા છે.

જો કે ઝાડ ધરાશાયી થયા બાદ નવસારી-વિજલપોર પાલિકાએ પાંચેય અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય કરવાની ખાતરી આપી હતી. પરંતુ દોઢ મહિનો વિત્યા બાદ પણ સહાય ન મળતા ગરીબ આદિવાસી પરિવારો મૂંઝાઈ રહ્યા છે. સાથે જ ચોમાસામાં જર્જર શાળામાં રહેવાનું પણ જીવનું જોખમ હોવાથી, ચિંતિત બન્યા છે.

સહાયની રાહ જોવાના બદલે પરિવારોએ જાતે જ પોતાના સપનાનું ઘર બનાવવાનું પ્રારંભ કર્યો છે. સગા સંબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા લઈને ઘર બાંધવાની હિંમત કરી છે. પરંતુ સરકાર પણ સહાય કરે એવી આશા સેવી રહ્યા છે. બીજી તરફ દોઢ મહિનો વીતવા છતાં પણ આદિવાસી પરિવારોને સહાય ન મળતા, વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સાથે જ પાલિકાએ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં માણસોને લઈ જવાના ખર્ચ કરતા પહેલા આદિવાસી ગરીબ પરિવારને ઘર બનાવી આપે એવી માંગ કરી છે.

દાંડીવાડમાં ચોરમલાનું ઝાડ પડ્યા બાદ ઘરવિહોણા બનેલા ત્રણ આદિવાસી પરિવારોને પાલિકાએ મદદની જાહેરાત કરી હતી. જેમાં સ્થાનિક નગરસેવકોએ જેમના સંપૂર્ણ ઘર ગયા છે, એમને વધુ મદદ કરવાની માંગ કરી છે. પરંતુ નિયમાનુસાર પાલિકા વધુમાં વધુ 10 હજાર રૂપિયાની સહાય આપી શકાય છે, ત્યારે પાલિકા સીઓ સાથે ચર્ચા કર્યા બાદ અસરગ્રસ્તોને સહાય કરવાની વિચારણા કરી રહી છે.

કુદરતી આફત સામે જીવન પાંગળુ સાબિત થાય છે. ત્યારે નવસારીના દાંડીવાડમાં વિશાળકાય ઝાડ પડ્યા બાદ બેઘર બનેલા ત્રણ ગરીબ આદિવાસી પરિવારો આજે ઘર બનાવવા સરકારી સહાયની આશ લગાવી બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...