સ્વરોજગાર:નવસારીના લક્ષ્મણ હોલમાં રાખી મેળાનું આયોજન, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય

નવસારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાખી મેળામાંં રાખડી ખરીદતા મહિલાઓ. - Divya Bhaskar
રાખી મેળામાંં રાખડી ખરીદતા મહિલાઓ.

નવસારીમાં ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન તહેવાર આવતા નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ લક્ષ્મણ હોલમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રાખી મેળા-2022નું આયોજન કરવામાં આવ્યું છે. બહેનો પોતાની મહેનતે આત્મનિર્ભર બનીને પગભર થાય તેના માટે આ મિશનની શરૂઆત કરવામાં આવી છે. આ રાખી મેળાનું ધારાસભ્ય પીયૂષભાઈ દેસાઈએ રીબીન કાપી આરંભ કરાવ્યો હતો.

નવસારીમાં સ્વ નિર્ભર બહેનોને વેચાણ માટે એક પ્લેટફોર્મ મળે તે માટે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં કુલ 16 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને આ રાખીમેળો 10, ઓગસ્ટ સુધી શરૂ રહેશે. આ રાખી મેળામાં આકર્ષક રાખડીની સાથે પારંપરીક રાખડી પણ વેચાણ માટે મુકવામાં આવી છે.

આ ઉપરાંત હોમ મેડ ચોકલેટ, સ્પેશ્યલ રક્ષાબંધન ચોકલેટ, ભાઇ-બહેનની આકૃતિ વાળુ ચોકલેટ બોક્સ, રાખડી, કંકુ-ચોખા, મીઠાઇ મુકવાની ખાસ પ્રકારની પ્લેટ, નાના બાળકો માટે છોટા ભીમ, બેન 10, હનુમાન, એન્ગ્રીબર્ડ જેવી બાળકોની ફેવરિટ કાર્ટુન વાળી રાખડી લોકોને ખૂબ જ ગમી રહી છે. આ રાખી મેળામાં રાખડી અને ચોકલેટની સાથે બહેનો માટે ડ્રેસ, મેકઅપ માટેની વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ જેવી વસ્તુઓ પણ વેચાણ અર્થે મુકવામાં આવી છે.

આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં પણ ફરીથી આવી રીતે મેળા યોજી બહેનોને રોજગારી મળે તેવો પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. તહેવારો શરૂ થતાં સખીમંડળો મીઠાઈ, ફરસાણ, ચોકલેટ, રાખડી સહિત અન્ય વસ્તુઓ બનાવીને બજારો શોધી રહ્યા છે. એવામાં નવસારી-વિજલપોર નગરપાલિકાએ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાખડી બનાવતા સ્વનિર્ભર બહેનો માટે રાખી મેળો યોજીને મહિલાઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.

શહેરીજનો મુલાકાત લે તેવી અપીલ
છેલ્લા 6 વર્ષથી આ રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળમાં 1 વર્ષ માટે આયોજન કરાયું ન હતું. જો કે સતત આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલ રાખડી, મીઠાઇ અને વિવિધ વસ્તુઓનું વેચાણ પ્રદર્શન કરવામાં આવશે.શહેરની જનતાને અપીલ કરીએ છીએ કે આ રાખી મેળાની અવશ્ય મુલાકાત લઇ ખરીદી કરી સ્વાવલંબી જીવન જીવતી બહેનોને આર્થિક રીતે મદદ કરવી જોઇએ. >સંતોક રાવલીયા, પ્રોજેક્ટ મેનેજર, નવસારી-િવજલપોર નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...