નવસારીના ગ્રીડ પર આવેલી હોટલ રજવાડી કાઠીયાવાડી પર તા. 27-4-10ના રોજ રાત્રિના 12 કલાકે રૂરલ પીએસઆઈ તથા સ્ટાફના બે પોલીસકર્મીએ બોલાચાલી કરી મારમાર્યાની હોટેલ માલિકે કોર્ટ સમક્ષ ફરિયાદ કરતા કોર્ટે તમામ સામે કેસ નોંધવાનો હુકમ કર્યો હતો.
નવસારી રૂરલ પીએસઆઈ આર.એસ.ઠાકર અને પો.કો. નઈમ પઠાણ, રાજુ લીલા તથા સ્ટાફના માણસો સાથે તા. 27-4-10ના રોજ હોટેલ રજવાડી કાઠીયાવાડીમાં રાત્રે 12 કલાકે ગયા હતા. હોટેલની આગળ પાર્ક કરેલા વાહનો હટાવતા હોટેલ માલિક શાહદુલ્લાખાન પઠાણ સાથે બોલાચાલી થઇ હતી.
બોલાચાલી દરમિયાન પીએસઆઇ ઠાકરેએ તેને બે તમાચા માર્યા હતા અને ગાડીમાં બેસાડી રૂરલ પોલીસ સ્ટેશને લઈ જઈ કેટલાક પોલીસે તેને પકડી રાખી માર માર્યાની ફરિયાદ શાહદુલ્લાખાન પઠાણે કોર્ટ સમક્ષ કરી હતી. આ બાદ તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, જેમા કુલા અને પીઠ પર તેને મારમાર્યાનું તબીબના રિપોર્ટ પરથી જણાયું હતું.
શાહદુલ્લાખાન પઠાણના એડવોકેટ સી.પી.નાયક તથા નદીમ કાપડીયાએ દલીલો કરી હતી. તેઓએ માર માર્યાના ફોટા તેમજ સારવાર કરનાર સિવિલના ડો. ઉષા શર્માએ પણ જરૂરી ઇજાનો ઉલ્લેખ કર્યો હતો. ફરિયાદીને ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ફરી મેડિકલ માટે મોકલતા ડો.હિરલ દલાલે તેમના કાન, લમણાના ભાગે, બંન્ને પગ પર, છાતીના પાછળના ભાગે સામાન્ય સોજા હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસ કસ્ટડીમાં હોય તે દરમિયાન તેમના શરીર પરની ઇજામાં વધારો થયાનું જણાઇ આવતા કોર્ટે પીએસઆઇ તથા સ્ટાફના કર્મચારી સામે પ્રાઇમોફેસી કેસ ગણી પ્રોસેસ કાઢવાનો હુકમ કરવા સાથે ઈન્કવાયરીને કેન્સલ કરવા તથા ફોજદારી કેસ નોંધવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.