તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકામાં જોડાવા માટે મતમતાંતર:બે ગામનો વિરોધ, એક સંમત, એકનો નિર્ણય બાકી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર નજીકના 4 ગામો એરૂ, હાંસાપોર,ધારાગીરી અને દાંતેજને પણ નવસારીમાં જોડવા પાલિકાએ સંમતિના ઠરાવ માગ્યા છે
  • દાંતેજે મંજૂરી આપી પણ એરૂ અને હાંસાપોર ગામમાં પાલિકામાં જોડાવાનો વિરોધ કરાયો, એરૂ ગ્રામ પંચાયતનો નિર્ણય 17મીએ થશે

નવસારી-વિજલપોર પાલિકામાં જોડવાનો હવે નજીકના ગામોમાં વિરોધ શરૂ થયો છે. ધારાગીરી ગ્રામ પંચાયતમાં વિરોધ થયા બાદ ગુરૂવારે મળેલી હાંસાપોરની ગ્રામસભામાં પણ વિરોધ કરતો ઠરાવ થયો હતો.22 જૂન 2020ના રોજ રાજ્ય સરકારે એક જાહેરનામા દ્વારા નવસારી અને વિજલપોર ઉપરાંત નજીકના 8 ગામને ભેળવી નવસારી-વિજલપોર નગરપાલિકાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ નવી પાલિકાની વોર્ડ રચના કરી ચૂંટણી પણ થઈ ગઈ.

ચૂંટણી બાદ રાજ્યકક્ષાએ અન્ય 4 ગામ હાંસાપોર, એરૂ, ધારાગીરી અને દાંતેજને જોડવાની થયેલ રજૂઆત અંગે સરકારમાંથી નવસારી-વિજલપોર પાલિકામાં પત્ર આવતા પાલિકાએ 4 ગામને સમાવવા ઠરાવ કરી દીધો હતો, ત્યારબાદ પાલિકાએ 4 ગામ પાસે સંમતિના ઠરાવ માગ્યા હતા. જેમાં દાંતતેજ પંચાયતે સંમતિનો ઠરાવ આપ્યો હતો. જોકે અન્ય 2 ગામમાં વિરોધ થયો છે. મળતી માહિતી મુજબ ધારાગીરી ગ્રામ પંચાયતની મળેલ સામાન્ય સભામાં સરપંચ સહિત સભ્યોએ પાલિકામાં નહીં જોડાવા નિર્ણય કર્યો હતો, ત્યારબાદ જલાલપોર તાલુકાના હાંસાપોરમાં ગુરૂવારે આ સંદર્ભે ગ્રામસભા બોલવાઈ હતી, જેમાં પણ ઉપસ્થિત સૌએ પાલિકામાં નહીં જોડવાનો નિર્ણય કર્યો હતો.

આમ હવે પાલિકામાં જોડાવા નજીકના ગામોમાંથી વિરોધ શરૂ થઈ ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, હજુ જલાલપોર તાલુકાના એરૂ ગામની ગ્રામ પંચાયતે હજુ સામાન્ય સભા કે ગ્રામ સભામાં નવસારી વિજલપોર પાલિકામાં જોડાવા અંગે હજુ નિર્ણય લીધો નથી અને આગામી દિવસોમાં નિર્ણય લેશે, ત્યારબાદ જ ચારેય ગામોનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.

8 ગામને અચાનક નવસારી-વિજલપોર પાલિકામાં સમાવાયા તે રીતે 4 ગામ સમાવાશે?
નવસારી પાલિકામાં જોડાવાની ગતિવિધિ બે-અઢી વર્ષ અગાઉ થઈ હતી ત્યારે નજીકના કેટલાક ગામોના સરપંચોએ પાલિકામાં જોડાવાની ‘ના’ પણ મહાપાલિકામાં જોડાવાની ‘હા’ પાડી હતી. જોકે ગત વર્ષે અચાનક 22મી જૂને સરકારે એક જાહેરનામુ બહાર પાડી 8 ગામ છાપરા, વિરાવળ, કાલિયાવાડી, કબીલપોર, ઈંટાળવા, ચોવીસી, જમાલપોર અને તીઘરાને પાલિકામાં જોડી દીધા હતા. શું આ વખતે પણ ગામોના વિરોધને અવગણી 4 ગામને પાલિકામાં જોડી દેવાશે ?

ધારાગીરી પંચાયતની સભામાં ભળવા સામે નનૈયો
અમારી ધારાગીરી ગ્રામ પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં હાજર તમામ સભ્યો અને સરપંચ સૌએ નવસારી-વિજલપોર નગરપાલિકામાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. > વનિતાબેન પટેલ, સરપંચ, ધારાગીરી ગ્રા.પં.

હાંસાપોરની ગ્રામસભામાં ન જોડાવા નિર્ણય
આજે અમારા ગામમાં ગ્રામસભા મળી હતી. જેમાં સર્વાનુમતે ગામલોકોએ નગરપાલિકામાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો. પંચાયતના સરપંચ, સભ્યો વગેરેની પણ ‘ના’ જ છે. અમે તો નુડામાંથી નીકળી જવા પણ ગાંધીનગર જઈ સરકારમાં રજૂઆત કરી છે. > ધર્મેશ પટેલ, સભ્ય, તા.પં. જલાલપોર

પંચાયતોનો નિર્ણય સરકારમાં પહોંચાડાશે
ગ્રામ પંચાયતો જે રીતનો નિર્ણય લઈ ઠરાવ કરે તે સંદર્ભની રજૂઆત પાલિકા સરકારમાં કરશે. > દશરથસિંહ ગોહિલ, સીઓ, નવસારી પાલિકા

એરૂ ગામમાં ચાર દિવસ બાદ નિર્ણય લેવાશે
એરૂમાં હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે આગામી 17મી ઓગસ્ટે મળનારી પંચાયતની સામાન્ય સભામાં નિર્ણય લેવાશે. > જગદીશ પટેલ, ઈનચાર્જ સરપંચ, એરૂ

અન્ય સમાચારો પણ છે...