રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓએ જીત મેળવવા પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. જોકે, ટિકિટ વહેંચણી સહિત અનેક મુદ્દે કેટલીય જગ્યાએ કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. કાર્યકરોમાં અસંતોષ વધતા તેઓ પોતાની મૂળ પાર્ટીનો ખેસ છોડી અન્ય પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ આજે વાંસદા ખાતે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ચંદુ જાદવે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે ભગવો ખેસ પહેરાવી જિલ્લા પંચાયતના વિરોધપક્ષ નેતા ચંદુ જાદવને આવકાર્યા હતા.
કોંગ્રેસની ત્રણ બેઠક હતી, જેમાં હવે બે જ રહી
ચંદુ જાદવ જિલ્લા પંચાયતની ખાટાઆંબા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચુંટાયા હતા પણ કોઈક કારણોસર તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની ત્રણ બેઠક હતી, જેમાં હવે બે જ રહી છે. ભાજપે જિલ્લા પંચાયત બેઠકના વિરોધ પક્ષના સભ્યને પોતાના તરફ કરી મોટો દાંવ ખેલ્યો હોવાની વાત વાંસદા તાલુકામાં ચર્ચાઇ રહી છે.
આદિવાસીઓના ગઢ વાંસદામાં કોંગ્રેસને ઝટકો
રાજકીય કાર્યકરોને પોતાના મનગમતા ઉમેદવારને ટિકિટની ફાળવણીમાં અસંતોષ ચરમશીમાએ પહોંચતા પાર્ટીની અદલાબદલી થવી વિધાનસભા ચૂંટણીમાં હવે આમ વાત બની ગઈ છે ત્યારે વાંસદાના જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ નેતા ચંદુ જાદવે પંજાને જાકારો આપી કમળ સ્વીકારતા આદિવાસીઓના ગઢ વાંસદામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.