તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ ડોક્ટર:નવસારી જિલ્લામાં બોગસ ડોક્ટરોનું ઓપરેશન શરૂ, સતત ત્રીજા દિવસે ત્રીજો નકલી ડોકટર ઝડપાયો

નવસારી19 દિવસ પહેલા
  • ખેરગામ, ચીખલી અને શહેરમાં મળી ત્રણ ડોકટરોની ધરપકડ કરાઇ
  • કોરોનામાં દર્દીઓના ધસારાનો લાભ લઈને ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા

નવસારી જિલ્લામાં હાલ કોરોના કેસમાં ઘટાડો થયો છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અને આરોગ્યની ટીમે બોગસ ડોકટરો પર તવાઈ લાવી છે. ત્રણ દિવસ ચાલેલી ઝુંબેશ દરમિયાન જિલ્લા પોલીસની એસ.ઓ.જી ટીમે સતત ત્રીજા દિવસે ચીખલીમાંથી ગેરકાયદેસર ડિગ્રી વગર પ્રેકટિસ કરતા એક ડોક્ટરની ધરપકડ કરી હેટ્રિક નોંધાવી છે.

પછાત વિસ્તારોમા ઉંટવૈદનો રાફડો ફાટ્યો
કોરોનાની બીજી લહેર જે માર્ચ એપ્રિલથી વધી હતી. ત્યારે કોવિડના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થયો હતો. તેનો લાભ લઈ મેડિકલ ડિગ્રી વગર પ્રેકટિસ કરતા આવા ડોક્ટરો મોટે ભાગે પછાત વિસ્તારની પસંદગી કરી બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા હતા. અને બિન્દાસપણે દર્દીઓને દવા આપી તેમની સારવાર કરતા હતા. આ મામલે અનેક ફરિયાદો ઉઠતા જિલ્લા પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત કામગીરીના ભાગસ્વરૂપે નવસારી શહેરના અલીફનગરમાંથી શિવનારાયણ ચૌધરી નામનો બોગસ ડોકટરનો પ્રથમ બનાવ સામે આવ્યો હતો. સાથે જ ખેરગામમાંથી ચંદ્રશેખર શર્મા નામનો બોગસ તબીબ ઝડપાયો હતો. ત્યારબાદ ચીખલી વિસ્તારમાંથી સંજય સોનાવાલા નામનો ડોક્ટર ગતરોજ ઝડપાયો હતો. જેની પાસેથી દવાઓ ઇન્જેક્શન અને તબીબી સામાન મળી કુલ 56 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી થશે
​​​​​​​
કોરોનામાં વધેલા દર્દીઓના ઘસારાનો લાભ લઇ બોગસ ડોક્ટરોએ પોતાની હાટડી શરૂ કરી હતી. જેથી દર્દીઓના જાનને જોખમ ઉભું થતાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર સફાળુ જાગીને જિલ્લામાં અન્ય વિસ્તારોમાં બોગસ તબીબોને ઝડપી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કવાયત શરૂ કરી છે. જેમાં એસ.ઓ.જીએ સતત ત્રીજા દિવસે એક ડોક્ટરોને ઝડપી પાડી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેયને પાંજરે પૂર્યા છે. જેથી જિલ્લામાં અન્ય ઉંટવેદોમાં ફફડાટ પેસી જતાં હાલ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...