જાહેરાત:નવસારી જિલ્લામાં વધુ એક હાઇવે; સુરત-ચેન્નાઇ હાઇવે હવે નવસારી-ચેન્નાઇ થઇ ગયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઈવે રૂટ - Divya Bhaskar
હાઈવે રૂટ
  • સૂચિત ચેન્નાઇ હાઇવે સુરતથી નહીં શરૂ થઈ નવસારીના સરપોરથી શરૂ થશે, સરપોરમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે જોડાશે
  • નવસારી​​​​​​​ જિલ્લાના 26 ગામમાંથી 46 કિલોમીટરના પસાર થનાર નવા હાઇવે માટે વાંધા મંગાવતું જાહેરનામું સરકારે બહાર પાડ્યું

સૂચિત સુરત ચેન્નાઇ એક્સપ્રેસ વે સુરતથી નહીં પણ નવસારીના સરપોરથી શરૂ થઈ ચેન્નાઇ જશે, સરપોરમાં વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે સાથે જોડાણ થશે. નવસારી જિલ્લાના 26 ગામમાંથી પસાર થશે. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત દેશભરમાં હાઇવેનું નેટવર્ક બિછાવાઈ રહ્યું છે,જે અંતર્ગત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સુરત ચેન્નાઇ હાઈવેની પણ જાહેરાત કરી હતી. આ હાઇવે સુરતથી અહમદનગર અને ત્યાંથી ચેન્નાઇ સુધી જશે. જોકે આ હાઇવે સુરતથી નહીં પણ નવસારીના સરપોરથી શરૂ થશે.

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે જે પસાર થનાર છે તેને નવસારી જિલ્લામાં સરપોર ગામે જોડાણ અપાશે અને નવો હાઇવે સરપોરથી નવો રૂટ પકડશે. આ નવા હાઇવેનું જાહેરનામું ગુરૂવારે પ્રસિદ્ધ થયું છે. જે અનુસાર નવસારી જિલ્લાના કુલ 26 ગામમાંથી 46 કિલોમીટર લંબાઈનો હાઇવે પસાર થશે. નવસારી, ચીખલી અને વાંસદા એમ 3 તાલુકામાંથી પસાર થનાર હાઇવે માટે અંદાજે 496 હેકટર જમીન સંપાદિત કરવી પડશે. બહાર પડેલ જાહેરનામા મુજબ આ હાઇવે અંતર્ગત આગામી 21 દિવસમાં વાંધાઓ નવસારીના પ્રાંત અધિકારીની કચેરી કાલિયાવાડી ખાતે રજૂ કરવા જણાવાયું છે.

ભારતમાલા પ્રોજેક્ટના ભાગરૂપ આ હાઇવેમાં નવસારી જિલ્લાના હવે 42 નહીં 26 ગામ
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અગાઉ જિલ્લામાં 42 જેટલા ગામમાંથી હાઈવે પસાર થવાની વાત આજથી 2 વર્ષ અગાઉ આવી હતી, જેનો ભારે વિરોધ પણ થયો હતો અને તેને લઈને વાત આગળ વધી ન હતી. જિલ્લામાંથી મહારાષ્ટ્રના અહેમદનગર જતા રૂટનો જ આ હાઈવે હવે જિલ્લાના 26 ગામમાંથી જ પસાર થશે.

જંગલ સહિતની અનેક પ્રકારની જમીન અસરગ્રસ્ત
નવસારી જિલ્લામાં જે વિસ્તારોમાંથી આ હાઇવે પસાર થનાર છે તેમાં અનેક પ્રકારની જમીનોને અસર થશે. ખાસ કરીને જંગલની જમીનમાંથી પણ આ હાઇવે પસાર થશે આ ઉપરાંત ખેતીની જમીન, સરકારી જમીન, ખાનગી જમીન સહિતની જમીનનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકામાં જંગલની જમીનમાંથી પણ હાઇવે પસાર થશે.કુલ 26ગામોમાંથી હાઇવે પસાર થનાર છે તેમાં નવસારી તાલુકાના 8, ચીખલી તાલુકાના 10 અને વાંસદા તાલુકાના 12 ગામોને સમાવેશ થાય છે.

વિવાદ ટાળવા જમીનના ભાવ અગાઉથી જાહેર થશે કે...
નવસારી જિલ્લામાં છેલ્લા 4 વર્ષ દરમિયાન બૂલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે બન્ને પ્રોજેક્ટમાં ભારે વાદવિવાદ થયો હતો. વિવાદ મુખ્યત્વે અસરગ્રસ્તોને જંત્રીના ભાવ આપવાની વાતને લઈને થયો હતો, કારણ કે જંત્રીના ભાવ 2011નો છે અને જમીન જ વાસ્તવિક ભાવ કરતા ખુબ જ ઓછા છે, જોકે બન્ને પ્રોજેક્ટમાં ભાવ વધી વીઘાના 1 કરોડ રૂપિયા નજીક ચૂકવવાનો નિર્ણય લેવાતા વાદવિવાદ શાંત પડ્યો છે. શું આ નવા પ્રોજેક્ટમાં જંત્રી નહીં પણ વાસ્તવિક ભાવો અગાઉથી આપવાની જાહેરાત થશે કે નહીં તે જોવું રહ્યું.

એકમાત્ર કુકેરીના જ 275 બ્લોક નંબરને અસર
આ હાઈવેમાં ચીખલી તાલુકાના બોડવાંકના-6, કુકેરી-272, નોગામા-73, કાકડવેલ-26, માંડવખડક-27, રાનવેરી કલ્લા-35, સારવણી-98, સુરખાઈ-19, ટાંકલ-87, વાંઝણા-42 મળી કુલ 10 ગામના 685 બ્લોક નંબરમાંથી જમીન સંપાદિત થશે.

અન્ય સમાચારો પણ છે...