સગર્ભા મૃત્યુ કેસ:ગુરૂવારે આરોગ્ય કર્મીઓ સાથે 150 આશા વર્કર બહેનો પ્રતિક ધરણામાં જોડાઇ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આશા વર્કર બહેનો પ્રતિક ધરણા - Divya Bhaskar
આશા વર્કર બહેનો પ્રતિક ધરણા
  • બામણવેલની મહિલાનું મૃત્યુ થયા બાદ બે આરોગ્ય કર્મી-આશા વર્કરને સસ્પેન્ડ કરી દેવા બાબતે 700 થી વધુ કર્મીઓનું આંદોલન

નવસારી જિ. પં. કચેરીમાં બુધવારે સવારે આરોગ્યકર્મીઓએ તેમના બે સહકર્મીના સસ્પેન્શન ઓર્ડર રદ કરવા આરોગ્ય અધિકારીને મહેતલ આપી હતી પરંતુ આરોગ્ય અધિકારીએ તેમનો સસ્પેન્શન હુકમ રદ કર્યો ન હતો. જેને પગલે 700થી વધુ કર્મચારીઓ જિલ્લા પંચાયત સંકુલમાં ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે કર્મચારી મહાસંઘના સુનિલ ગામીતે જ્યાં સુધી સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

ગુરૂવારે સતત બીજા દિવસે કોઈ નિર્ણય નહીં આવતા આરોગ્યકર્મીઓ જિલ્લા પંચાયતમાં ધરણાં કર્યા હતા. બામણવેલના માનદ આશાવર્કર નીતાબેન પટેલને પણ સગર્ભાના મોતના મામલે દોષિત ઠેરાવી આરોગ્ય વિભાગે સરપંચને એક પત્ર લખી તેમને છૂટા કરી દેવાનો હુકમ કર્યો હતો. જેને લઈ ગુરૂવારે આરોગ્યકર્મીઓના ધરણાં પ્રદર્શનમાં આશાવર્કરો ન્યાય મેળવવા જોડાયા હતા અને આરોગ્ય અધિકારીને ઉદ્દેશીને આવેદન આરોગ્ય અધિકારીને આપ્યું હતું. જો પુનઃ ફરજ પર આશાવર્કર નીતાબેનને નહીં લેવાશે તો આશાવર્કરો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આશાવર્કરોએ પણ કામગીરી ઠપ કરી
સગર્ભાના મોત બાબતે હો..હા.થયા બાદ આરોગ્ય અધિકારીએ તાત્કાલિક અસરથી બામણવેલમાં ફરજ બજાવતા બે ફિમેલ હેલ્થ વર્કરને સસ્પેન્ડ કર્યા અને એક આશાવર્કરને છૂટા કરી દેવામાં આવ્યા બાદ પહેલાં દિવસે 650 આરોગ્યકર્મી અને બીજા દિવસે િજલ્લાની 700 થી વધુ આશાવર્કરો બહેનો પણ આંદોલનમાં જોડાયા હતા. જેમાંથી 150 જેટલી બહેનો ધરણા પર બેઠી હતી.

અમને વગર વાંકે સસ્પેન્ડ કરાયા છે
અમે ગામમાં રહેતી મહિલાઓના રજસ્વલા અંગેની માહિતી દર માસે પત્રકમાં નોંધીએ છીએ. અમે રેગ્યુલર દર માસે માહિતી લેતા હતા પણ સગર્ભા કોઈ માહિતી આપતી ન હતી. તેમના પતિએ પણ તેમની પત્ની સગર્ભા હોવાની વાત કરી નહતી. અમોને વાંક વગર છૂટા કર્યા છે. સગર્ભાના પતિ અને તેના પિતાએ લેખિતમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું. - નીતાબેન પટેલ,આશાવર્કર, બામણવેલ

સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો રાજ્યભરમાં આંદોલન
બામણવેલ ગામે રહેતી સગર્ભાના મોત બાબતે આરોગ્ય કર્મીઓને છુટા કર્યા તેમાં એમનો કોઈ વાંક ન હતો. તેમના દ્વારા નિયમિત મુલાકાત લેવાતી હતી. આ બાબતે પુરાવા આરોગ્ય અધિકારીને આપ્યા છતાં અધિકારીઓએ તેમની ચામડી બચાવવા દોષનો ટોપલો આરોગ્યકર્મીઓ ઉપર ઢોળ્યો છે. બેકસુર આરોગ્યકર્મીઓનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો આગામી દિવસોમાં રાજ્યભરમાં આરોગ્યકર્મીઓની સેવા બંધ કરાશે. - કિરીટસિંહ ચાવડા, પ્રમુખ, રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ

અન્ય સમાચારો પણ છે...