નવસારી-ચેન્નાઈ એક્સપ્રેસ હાઈવે સામે બે પ્રકારની વાંધા અરજી થઈ છે. એક પ્રોજેક્ટ જ રદ કરવાની તો બીજી યોગ્ય વળતર સાથે અસરગ્રસ્તોના હિત જાળવવા બાબતની છે.સુરત-ચેન્નાઈ (હવે નવસારી-ચેન્નાઈ) હાઈવે નવસારી જિલ્લાના 26 ગામમાંથી પસાર થનાર છે, જેમાં નવસારી, ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાંથી 46 કિલોમીટર હાઈવે પસાર થનાર છે. સૂચિત હાઈવે માટેનું જાહેરનામુ 19મી મેના રોજ પ્રસિદ્ધ થયું હતું અને તે માટેના વાંધા અને સૂચનો મંગાવાયા હતા. જે માટે અસરગ્રસ્તોના ઘણાં વાંધા રજૂ થયા હતા. જે વાંધા અરજીઓ આવી છે તે મુખ્યત્વે બે પ્રકારની આવી છે.
જેમાં એક અરજીમાં પ્રોજેક્ટ સામે જ વિરોધ કરી રદ કરવાની માગ કરાઈ છે. મંગળવારે વાંસદા વિસ્તારના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદા તાલુકા તથા અન્ય વિસ્તારમાંથી લોકોએ આવી જમીન સંપાદન કચેરીએ વાંધા આપ્યા હતા. તેઓએ આ પ્રોજેક્ટ આદિવાસીઓના હિતને નુકસાનકર્તા હોય પ્રોજેક્ટ સામે જ વાંધો રજૂ કરી રદ કરવા જણાવ્યું હતું.
બીજી તરફ બુધવારે ખેડૂત સમન્વય સમિતિના વિનોદ દેસાઈ (સીએ)ની હાજરીમાં નવસારી તાલુકાના સરપોર વિસ્તારના લોકોએ પણ વાંધા રજૂ કર્યા હતા. તેઓએ અસરગ્રસ્તોની ખુશીથી બુલેટ ટ્રેન, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના માપદંડ મુજબ વળતર વધારો કરી વાટાઘાટથી સંપાદન પ્રક્રિયા કરવા જણાવ્યું છે. તેઓએ ઝાડની ગણતરી, પાક નુકસાન વળતર, મકાન-મિલકત વળતર ગણતરી, પુન:સ્થાપન વળતર, આદિવાસી-ખેત મજૂરોના આવાસ વળતર સહિતના અનેક માગ પણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.