તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા મહેકાવી:NRIઓફ ઇન્ડિયા- ટોરોન્ટો ગૃપે સંક્રમિત 95 કુટુંબને મદદ કરી : કુલપતિ ઝીણાભાઇ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ કુટુંબને રૂ. 10,000ની સહાય કરવામાં આવી

ટોરોન્ટો કેનેડાના ગુજરાતી ગૃપ અને ઓમ ઇન્ડિયા દ્વારા નવસારી અને જલાલપોર તાલુકાના કોરોનો મહામારીમાં જે કુટુંબોનો કમાનાર અવસાન પામ્યો હોય એવા આર્થિક રીતે નબળાં 95 કુટુંબને રૂ. 10 હજારની સહાય કરવાનો કાર્યક્રમ નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન હોલમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડો.ઝીણાભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વિદ્યાસંકુલ તથા હોસ્પિટલના ચેરમેન માધુભાઇ કથીરિયા તથા નવસારી જિલ્લા રોગચાળા નિવારણ અધિકારી ડો. મેહુલ ડેલીવાલા ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ એન.આર.આઇ, ટોરોન્ટો ગૃપના પ્રતિનિધિઓ બળવંતભાઈ પટેલ (ખારા અબ્રામા) તથા અરવિંદભાઇ પટેલ (આટ) ની નિશ્રામાં યોજાયો હતો.

કાર્યક્રમના આરંભમાં નવસારી સિનિયર સિટીઝનના પ્રમુખ સુરેશ દેસાઈએ આ માનવતાપૂર્ણ કાર્યક્રમમાં નવસારી સિનિયર સીટીઝન ટ્રસ્ટને જોડવા માટે એન.આર.આઇ. ઓફ ઇન્ડિયા ટોરોન્ટો ગૃપનો આભાર માન્યો હતો. કોરોનાગ્રસ્ત કુટુંબોને આર્થિક સહાય આયોજનના સ્થાનિક પ્રતિનિધિ બળવંતભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યુ હતું કે આજે જે કાર્યક્રમ યોજાયો છે એમાં નવસારી જલાલપોર તાલુકાનાં 95 કુટુંબને આર્થિક સહાયરૂપે સાડા નવ લાખ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.

આ પૂર્વે કેનેડા ટોરોન્ટો ગુજરાતી ગૃપ દ્વારા ન.મો.કોવિડ સેન્ટર તથા પ્રભાકુંજ કોવિડ સેન્ટરને 1-1 લાખ આપવામાં આવ્યાં હતા. નવસારી જલાલપોર તાલુકાના 19 પ્રાથમિક આરોગ્ય કેંદ્રને કોરોના કાળ દરમિયાન એમની જરીરિયાત પ્રમાણે ત્રણ લાખનાં સાધનો આપવામાં આવ્યાં હતાં. મંદિર રેફરલ હોસ્પિટલ તથા અન્ય પીએચસીને 8 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, વ્હીલચેર, સ્ટ્રેચર, 120 પીજી કીટ, 13 ઓક્સિપ્લસ મીટર પણ આપવામાં આવ્યાં હતાં.

હજુ પણ આ મદદકાર્ય ચાલુ જ રહેશે. માધુભાઈ કથીરિયાએ કોરોનાગ્રસ્ત કુટુંબોના ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓને એમનાં સ્વજનને ભૂલીને જીવનના પ્રવાહમાં જોડાઇ જવાની સલાહ આપી હતી. એમણે ટોરોન્ટો એન.આર.આઇ.ગૃપના સેવાકાર્યને બિરદાવ્યું હતું. ડો. મેહુલ ડેલીવાલાએ ત્રીજી લહેર નહીં આવે એ માટે પ્રાર્થના અને સાવધાન રહેવાની સલાહ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...