આમ તો ડાંગ જિલ્લામાં સાપુતારા ઉપરાંત અન્ય સ્થળોના પ્રવાસન તરીકે વિકાસ કરાઈ રહયો છે પણ પ્રથમવખત સમગ્ર ડાંગના મહત્તમ સ્થળોનો ડાંગ ટુરિસ્ટ સર્કિટ તરીકે વિકાસ કરવા 30 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં કુદરતી સૌદર્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ, લીલાછમ, ડુંગર ઉપર વસેલ ડાંગ જિલ્લામાં પ્રવાસનની દૃષ્ટિએ ભારે સામર્થ્ય રહેલું છે. જેમાં રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારાનો તો સારો વિકાસ થયો છે પણ જિલ્લાના અન્ય સ્થળો હજુ વિકાસ ઝંખી રહ્યા છે. હવે ગુજરાત ટુરિઝમે સાપુતારા સિવાયના સ્થળોનો પ્રવાસન તરીકે વિકાસ ' ડાંગ સર્કિટ ' ના નેજા હેઠળ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે 30 કરોડ રૂપિયાની હાલ ફાળવણી કરી છે, જે અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળોએ સુવિધા ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું ટેન્ડર પણ નીકળી ગયું છે.
જિલ્લાના અન્ય સ્થળો હજુ વિકાસ ઝંખી રહ્યા
પ્રોજેક્ટમાં ખાસ કરીને ગિરિમથક સાપુતારા સિવાયના અન્ય પ્રવાસન સ્થળોના વિકાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ડાંગ સર્કિટ બાદ ટુરિઝમ વિભાગમાં ડાંગના પ્રવાસન માટે કેરેવાન પાર્કનો પ્રોજેક્ટ પણ વિચારણા હેઠળ છે, જેમાં પ્રવાસીઓ માટે જિલ્લાના એક સ્થળેથી બીજા સ્થળે જવા વિગેરેની સુવિધા હશે.
સર્કિટના આવરી લેનારા સ્થળો
વાસદા નેશનલ પાર્ક, બોટનિકલ ગાર્ડન, ગીરધોધ, કલમ ડુંગર, અંબિકા દર્શન, અંજનકુંડ, સ્ટેપ ગાર્ડન અને વન ચેતના, કિલાદ કેમ્પ સાઇટ,દેવીના માળ વિગેરે..
ઊભી થનારી સુવિધા
પાર્કિંગ, વોચ ટાવર, આકર્ષક એન્ટ્રી ગેટ, પીવાના પાણીની સુવિધા અને ટોઇલેટ, ગઝેબો, સેલ્ફી પોઇન્ટ અને બેઠક વ્યવસ્થા, વ્યુઇંગ ડેક, પાથ વે, રેસ્ટોરન્ટ, ઇલેક્ટ્રિફિક્શન, ફર્નિચર વર્ક વિગેરે..
સાપુતારામાં અનેક પ્રોજેક્ટ થકી વિકાસ પરંતુ...
રાજ્યનું એકમાત્ર ગિરિમથક હોય ટુરિઝમ વિભાગ કેટલાક વર્ષોથી સાપુતારાનો તો વિકાસ કરી રહ્યું છે અને અનેક પ્રોજેક્ટો કર્યા પણ છે. જેમાં લેક અને તેના પરિસરનો વિકાસ, સન સેટ અને સન રાઈઝ પોઇન્ટનો વિકાસ તથા હવે ઓડિટરિયમ પણ બનાવવાનો નિર્ણય લેવાયો છે. હવે ડાંગ જિલ્લાના સાપુતારા સિવાયના પ્રવાસન સ્થળોના વિકાસ ઉપર ફોકસ કરાઈ રહ્યો છે. અહીં અનેક સ્થળો હોવા છતાં પૂરતો વિકાસ થયો નથી. ડાંગ સર્કિટનો પ્રોજેક્ટ આજ દિશામાં છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.