ભાસ્કર એનાલિસિસ:નવસારી જિલ્લામાં બે ડોઝ લેનારા 90% કોરોના સંક્રમિત, હવે બુસ્ટર ડોઝ અનિવાર્ય

નવસારી5 મહિનો પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારી જિલ્લામાં 14 જૂનથી કેસો વધવાના શરૂ થયા જેમાં હાલ એક્ટિવ કેસનો આંક 64 પર પહોંચ્યો છે
  • એક્ટિવ 64 કેસમાં 57 જણાએ રસીના બે ડોઝ લીધા હતા, જ્યારે માત્ર 7 જણાએ જ બુસ્ટર ડોઝ લીધો

નવસારી જિલ્લામાં ચોથી લહેરની શરૂઆતમાં નોંધાયેલ કોવિડ કેસોમાં 90 ટકાએ રસીના બે ડોઝ લીધા છતાં પોઝિટિવ આવ્યા છે,જોકે મહત્તમે બુસ્ટર ડોઝ લીધો નથી. નવસારી જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોવિડ કેસોમાં વધારો થયો છે અને ચોથી લહેરનો વરતારો જણાયો છે. 14 જૂનથી કેસ વધવાની શરૂઆત થઈ હતી જે જારી રહી છે. છેલ્લા 16 દિવસમાં 96 કેસ નોંધાયા છે, જેમાં 64 તો હાલ એક્ટિવ કેસ છે. હાલ જે કેસો બહાર આવી રહ્યા છે તેમાં નોંધનીય બાબત એ છે કે પોઝિટિવ કેસોમાં મહત્તમે કોવિડ રસીના એક નહીં પણ બે ડોઝ લીધા છે.

64 એક્ટિવ કેસ તેમાં 57 જણાએ તો બે ડોઝ લીધા
​​​​​​​
આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે કે હાલ જે 64 એક્ટિવ કેસ તેમાં 57 જણાએ તો બે ડોઝ લીધા હતા. બીજા શબ્દોમાં કહીએ તો 90 ટકાએ બન્ને ડોઝ લઈ લીધા હતા. 1 વ્યક્તિએ માત્ર એક ડોઝ લીધો હતો.જે 6 જણાએ રસીનો એક પણ ડોઝ લીધો ન હતો એ મહત્તમ ઓછી વયના બાળક જ હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ પોઝિટિવ આવી રહેલ મહત્તમે બુસ્ટર ડોઝ લીધો નથી, 64માંથી 7 જણાએ બુસ્ટર ડોઝ લીધો છે. 18થી 59 વર્ષની વયમાં હજુ મહત્તમે બુસ્ટર ડોઝ લીધો નથી.

બુધવારના વધુ 13 કેસોમાં પણ 11 બે ડોઝ લેનારા
બુધવારે પણ જિલ્લામાં વધુ 13 પોઝિટિવ કેસો સરકારી ચોપડે નોંધાયા હતા. તેમાં પણ નોંધનીય બાબત એ હતી કે 11 કેસમાં સંક્રમિતોએ રસીના બે ડોઝ લઈ લીધા હતા. નવા જે કેસો બહાર આવ્યાં તેમાં નવસારી શહેરના જ 6 કેસ તો હતા. આ ઉપરાંત ગણદેવી તાલુકામાં 3, વાંસદા તાલુકાના 2 અને ચીખલી-જલાલપોર તાલુકાના એક-એક કેસનો સમાવેશ થાય છે. વધુ 13 કેસની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 12028 થઈ છે. કોરોનાની સારવાર લેતા 5 દર્દી રિકવર પણ થયા જેની સાથે કુલ રિકવર સંખ્યા 11754 થઈ છે અને એક્ટિવ કેસ 64 રહ્યાં છે.

કેસ વધે પણ ગંભીર ચિન્હોવાળા નહીં
છેલ્લા 16 દિવસથી જિલ્લામાં કેસોમાં વધારો થયેલો જોવા મળ્યો છે અને હાલ એક્ટિવ કેસનો આંક 64 ઉપર પહોંચી ગયો છે. જોકે નોંધનીય બાબત એ છે કે, 64 કેસમાં માત્ર પાંચ દર્દી જ હોસ્પિટલમાં છે, બાકીના 59 તો ખાસ બિમારીવાળા નહીં હોય આઈસોલેશનમાં છે. બીજુ કે નવા નોંધાયેલ કોઈપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.

રસી લેવાથી વાયરસ સામે લડી શકાય, પોઝિટિવ ન જ થાય એવું નથી
રસી લેવાથી ફાયદો જરૂર થાય છે. કોરોના વાયરસ સામે લડી શકાય છે, જોકે કોવિડ પોઝિટિવ નહીં જ થાય એવું નથી. જો રસી લીધેલી હોય તો શરીર વાયરસ સામે રિસ્પોન્સ આપે છે અને ક્રિટીકલ કંડિશન ઉભી થાય નહીં. - ડો. ધર્મેશ ડી. પટેલ, નવસારી

અન્ય સમાચારો પણ છે...