તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ અપાઇ:નવસારીમાં અનેક વેપારીઓને વેટની જૂની રિકવરીની નોટિસ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં વેટ નાબૂદી બાદ 4 વર્ષે તંત્ર જાગ્યું
  • અનેક કિસ્સામાં બાકી ન હોવા છતાં નોટિસ અપાઇ

વેટ નાબૂદ થયાના 4 વર્ષ બાદ નવસારીના ઘણા વેપારીઓને જૂની બાકીના નામે રિકવરીની નોટિસ મળતા વેપારીઓ દોડતા થઈ ગયા છે.ભૂતકાળમાં વેચાણવેરો હતો અને ત્યારબાદ વેટ રાજ્યમાં અમલી હતો. વેટ બાદ લગભગ 4 વર્ષથી તો જીએસટી અમલી બન્યો છે. વેટ ગયાને તો 4 વર્ષ થઈ ગયા છે ત્યારે લાંબા સમય બાદ વેરા વિભાગને જૂની બાકી યાદ આવી છે. નવસારી પંથકના ઘણા વેપારીઓને એસએમએસ અને ઇ-મેલથી નોટિસ મોકલી તેમાં રિકવરીની રકમ જણાવી છે.

સ્ટેટ ટેક્સ ગુજરાતના નામે આ નોટિસ અપાઈ છે. અહીં ઉલ્લેખનીય છે આવી નોટિસો નવસારીમાં 5-10 નહીં પણ 400થી વધુને અપાયાનો અંદાજ છે. સ્થાનિક ડીલર, વેપારીઓ, ઉદ્યોગપતિઓ વગેરેને બાકીની નોટિસ અપાઈ છે. રિકવરીની રકમ 400-500 રૂપિયાથી લઈને 1 લાખથી વધુની પણ કાઢવામાં આવી છે. અનેક કિસ્સામાં તો વેપારીઓએ એસેસમેન્ટ મુજબ ભરપાઈ કરવાની રકમ ભરી દીધી હોવા છતાં ચકાસણી કર્યા વિના જ ફરી રિકવરીની નોટિસો કાઢી છે. નોટિસમાં જો રિકવરીની રકમ પુરી યા અંશતઃ ભરી હોય તો તે બાબતના ડોક્યુમેન્ટ રજૂ કરવા જણાવાયુ છે.

છેલ્લા દસેક દિવસથી વેટની જૂની રિકવરીની નોટિસો વેપારીઓને મળી રહી છે. મળતી માહિતી મુજબ આવી નોટિસ માત્ર નવસારી પંથક જ નહીં, સમગ્ર રાજ્યમાં વેપારી, ધંધાર્થીઓને અપાય છે. મોડે મોડે રિકવરીના નામે નોટિસ અપાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે કેટલાય ધંધામાં ઘણા સમયથી મંદિ છે, ઉપરાંત જીએસટીમાં કેટલાક મુદ્દે હજુ મડાગાંઠ ચાલુ જ છે ત્યારે આ વેટ વિભાગની બાકીની નોટિસ આવતા વેપારીઓ માટે નવી ઉપાધિ આવી છે.

અન્ય સમાચારો પણ છે...