વિવાદિત જગ્યાનો પંચક્યાસ:જમાલપોર સ્થિત સર્વોદયનગરમાં વિવાદીત જગ્યાને લઈને નુડાએ સ્ટેની નોટિસ આપી, અધિકારીઓએ પંચક્યાસ કરી માહિતી મેળવી

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડિશનલ કલેક્ટર અને નવસારી મામલતદારે સાથે સ્થળ પર પહોંચીને પંચક્યાસ કર્યો

નવસારી-વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. 13માં આવેલા સર્વોદય નગરમાંથી પાછળના જમીન માલિકને 24 વર્ષ પૂર્વે સબરજિસ્ટ્રારમાં કરાર કરીને આપવામાં આવેલા રસ્તાને લઈ હાલ વિવાદ ઉઠવા પામ્યો હતો. જેમાં નુડા (નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી)ના અધિકારી સાથે સ્થળ નિરીક્ષણ કરવા ગયેલા નવસારી-વિજલપોર પાલિકા પ્રમુખ જેસીબી લઈને નિર્માણધીન મંદિર તોડવા આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સોસાયટીવાસીઓએ લગાવી નવસારી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. ત્યારબાદ સમગ્ર મામલો નુડા પાસે પહોંચતા ગઈકાલે એડિશનલ કલેક્ટર અને નવસારી મામલતદારે સાથે સ્થળ પર પહોંચીને પંચક્યાસ કર્યો હતો અને વિવાદિત જમીનની મોજમાપણી કરી હતી.

નવસારીને અડીને આવેલા જમાલપોર ગામ સ્થિત સર્વોદયનગર સોસાયટીએ કોમન પ્લોટમાં શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર બનાવ્યું હતું. જેની પાછળ આવેલ ખાનગી માલિકનો પ્લોટ સોસાયટીને વર્ષો અગાઉ દાનમાં મળ્યો હતો. દરમિયાન મંદિરની પાછળ આવેલી જમીનના માલિકે વર્ષ 1998માં સોસાયટી પાસેથી રસ્તાની માંગ કરી હતી અને જે-તે સમયે સોસાયટી સાથે જમીન માલિકે વાટાઘાટો કરી, આવન-જાવન માટે રસ્તો માંગ્યો હતો. જેમાં બંનેની સંમતિથી સર્વોદયનગરનો શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલા રસ્તા મુદ્દે સબ રજિસ્ટ્રારમાં બંને પક્ષો વચ્ચે કરાર પણ થયો હતો.

જો કે સર્વોદયનગર પાછળની જમીનના માલિક બદલાતાં દસ્તાવેજના આધારે સર્વોદયનગરના રસ્તાનો ઉપયોગ કરવાની તૈયારી કરતાં, સોસાયટીવાસીઓ અને જમીન માલિક વચ્ચે વિવાદ ઉભો થયો હતો. જેમાં સોસાયટીએ દાનમાં મળેલા પ્લોટમાં રાધાકૃષ્ણનું મંદિર બનાવવાનો પ્રારંભ કર્યો હતો. દરમિયાન પાલિકા પ્રમુખ નુડાના આધિકારી તેમજ પાલિકાના અન્ય કર્મચારીઓ સાથે નિર્માણધીન મંદિર નજીક પહોંચ્યાં હતા અને ત્યારબાદ સોસાયટીના આગેવાનો સાથે બેઠક કરી હતી.

પરંતુ આજે સર્વોદયનગરના રહેવાસીઓએ પાલિકા પ્રમુખે સત્તાનો દુરૂપયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે સીસીટીવી કેમેરા અને જેસીબી, ટ્રકના વિડીયો જાહેર કરી, પ્રમુખ તેમજ અન્યો જેસીબી મશીન લઇ મંદિર તોડવા આવ્યા હોવાના આક્ષેપો સાથે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી, યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉચ્ચારી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં નુડાએ કામગીરી બંધ રાખવાની નોટિસ પણ ઈશ્યુ કરી છે. જો કે આ પ્રકરણમાં વિવાદિત જમીનમાંથી રસ્તો આપવો કે નહિ તેનો આખરી નિર્ણય કલેક્ટરનો રહેશે અને બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...