હાલમાં ઓનલાઇન ફિશિંગ થકી અનેક લોકોના બેંક એકાઉન્ટ ખાલી થઈ રહ્યા છે. આવા ગુનાઓ ઉકેલવા માટે પોલીસને પણ પરસેવો છુટે છે. જાગૃતિના અભાવે અનેક લોકોને મોબાઇલ અને બેન્કની વિગતો આપતા પૈસાથી હાથ ધોવાનો વારો આવે છે. એવું જ કંઈક વિજલપોરમાં રહેતા 47 વર્ષીય આધેડ નરેન્દ્રસિંહ ઠાકોર સાથે બન્યું છે. ઓનલાઇન ફિશીંગમાં બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા ટ્રાન્સફર થતા તેમણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરના પગલાં લીધા છે.
SBI બેંકમાં ખાતેદારોને ઓનલાઇન સુવિધા મેળવવા YONO એપ ડાઉનલોડ કરવી પડે છે. જેથી ઠગે ફરિયાદી નરેન્દ્રસિંહને YONO એપ્લિકેશનને મોબાઈલમાં અપડેટ કરવા માટેની લીંક મોકલી હતી તથા ઓટીપી મેળવીને ફરિયાદીના ખાતામાંથી સિફતપૂર્વક રૂ. 1 લાખ પડાવી લીધા હતા. ઠગે અશોક શર્મા નામના વ્યક્તિની ઓળખાણ આપી હતી. બાદમાં નરેન્દ્રસિંહને આ સમગ્ર મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની જાણ થઇ હતી.
વિવિધ સ્કીમ આપીને ગઠિયાઓ સૌપ્રથમ મોબાઈલમાં લીંક મોકલે છે અને તે લીંક ક્લીક કરાવડાવીને બેંકની માહિતી મેળવી લેતા હોય છે. સાથે જ ઓટીપી મેસેજ મેળવીને મોટી રકમ ખાતામાંથી ટ્રાન્સફર કરી લેતા હોવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. સરકારે પણ આ મામલે સજાગ થઇને જાગૃતિ અભિયાન શરૂ કર્યા છે. છતાં પણ લોકોમાં otp ન આપવો કે બેંક અને મોબાઇલની માહિતી કોઇની સાથે શેર ન કરવા જેવી બાબત અંગે જાગૃતિનો અભાવ હોવાથી આવા બનાવો છાશવારે બની રહ્યા છે.
જલાલપોરના ઈન્ચાર્જ પીએસઆઈ એ.એન.ચૌધરી દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને બેન્કમાંથી પણ ડિટેઈલ લેવામાં આવી છે. પરંતુ બેંકને પણ કયા વોલેટમાં પૈસા જમા થયા તેની ચોક્કસ માહિતી મળી શકી નથી. ત્યારે આરોપીને ઝડપી પાડવા માટે મોબાઇલ નંબરની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.