તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી પાલિકાનું 1 વર્ષ : સુવિધા કરતા દુવિધા વધી:નવસારી-વિજલપોર પાલિકામાં હજુ વિધિસર ઝોન કચેરી નહીં, વિજલપોર-8 ગામના લોકોને નાના કામ માટે આંટાફેરા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ સમય વહીવટદારનું શાસન રહ્યું અને ચૂંટાયેલ પાંખને પૂરતો સમય ન મળતા મોટા નીતિ વિષયક નિર્ણયો લેવાયા જ નહીં

22 જૂને નવસારી-વિજલપોર નગરપાલિકા બન્યાને 1 વર્ષ પૂરું થયું છે ત્યારે આ સમય દરમિયાન પાલિકા હદ વિસ્તારમાં આવેલ લોકોની સુવિધા વધવાની જગ્યાએ દુવિધા વધી છે. ખાસ કરીને નવસારીમાં ભળેલ વિજલપોર અને 8 ગામની મુશ્કેલી હાલ સુધી તો ઘટવા કરતા વધી જ છે.લગભગ 17 વર્ષથી નવસારી નજીકના વિજલપોર અને 12 ગામોને નવસારી સાથે ભેળવી મહાનગરપાલિકા બનાવવાની માગ ચાલી રહી છે.

આ માગ તો સ્વીકારાય નહીં પણ 1 વર્ષ અગાઉ 22 જૂન 2020ના રોજ અચાનક જ રાજ્ય સરકારે નવસારી પાલિકા ઉપરાંત વિજલપોર પાલિકા અને નજીકના 8 ગામની ગ્રામ પંચાયતોની ચૂંટાયેલ પાંખને બરખાસ્ત કરી નવી નવસારી-વિજલપોર નગરપાલિકાની જાહેરાત કરી હતી અને આ નવી પાલિકા માટે વહીવટદારની નિમણૂક કરી હતી. 22 જૂન 2021ના રોજ નવી પાલિકાને 1 વર્ષ પૂરું થયું છે.

આ એક વર્ષ દરમિયાન પાલિકા હદ વિસ્તારના લોકોની સમસ્યા હલ થવાની જગ્યાએ વધી છે. વહીવટી સરળતા માટે વિધિસર ઝોન કચેરી બનાવાઈ નથી.વધુ સમય વહીવતદારનું જ શાસન રહેતા અને ચૂંટાયેલી પાંખને માંડ 2 મહિના જ મળતા વિકાસનો ‘રોડ મેપ’ તૈયાર થઈ શક્યો નથી. ખાસ કરીને વિજલપોર અને 8 ગામના લોકોને અનેક કામોમાં સ્થાનિક કચેરીથી મુખ્ય કચેરી ખો જ મળતી રહી છે.ગામડાના લોકો તો એમ કહે છે કે નાની સમસ્યા જે અગાઉ તુરંત ઉકેલાતી તે ઘણી વખત દિવસો નીકળી જાય છે.

છેક હવે વિકાસનો ‘રોડમેપ’ બનાવવાની મોડે મોડે શરૂઆત
લગભગ 1 વર્ષ તો નવી પાલિકાનો વિકાસનો ‘રોડમેપ’ બન્યો ન હતો પરંતુ હવે નવસારીમાં સમાવાયેલ નવા વિસ્તારો માટે સુવિધા વધારવા તજવીજ હાથ ધરાયાની જાણકારી મળી છે. પાલિકામાં જોડાયેલ ગામડામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, વરસાદી પાણીની ગટર, પીવાના પાણીની સમસ્યા હલ કરવા પાલિકાએ અલગ અલગ કન્સલ્ટન્ટોની નિમણૂંક કરી છે. તેઓ ડિટેલ પ્રોજેકટ રિપોર્ટ (ડી.પી.આર.) સબમીટ કર્યા બાદ સરકાર યોજનાઓ માટે ગ્રાંટ માંગશે. પીવાના પાણી માટે પણ ફિલ્ટરેશન પ્લાન્ટ સાથે જોડવાની તજવીજ થઈ શકે છે.

હવે વધુ 3 ગામ ભેળવવાની વાત
જ્યાં વિજલપોર અને 8 ગામને ભેળવી નવી પાલિકા તો બનાવાઈ પરંતુ હજુ આ પાલિકામાં વધુ 3 ગામ હાંસાપોર, એરૂ અને દાંતેજને સામેલ કરવાની તજવીજ ચાલે છે. આ માટે રાજ્ય સરકારમાં રજૂઆત થતા સરકારે પાલિકા પાસે ઠરાવ મંગાવતા પાલિકાએ ઉક્ત ત્રણેય ગામને પણ પાલિકામાં સમાવવા ઠરાવ પણ કરી દીધો છે.

એક કચરાના નિકાલની સમસ્યા હલ થઈ
આમ તો વિજલપોર યા 8 ગામની કોઈ મોટી સમસ્યા નવા પાલિકામાં ભળ્યા બાદ હલ થઈ નથી, એક મોટી સમસ્યા કચરાના નિકાલની હલ થઈ છે. વિજલપોર અને 8 ગામના કચરાના નિકાલની મોટી સમસ્યા હતી. જોકે નવસારીમાં ભળ્યાં બાદ ત્યાંનો કચરો પણ નવસારીની ‘ડમ્પીંગ સાઈટે’ નિકાલ થઈ જતા હવે ત્યાં પણ કચરાના નિકાલની સમસ્યા રહી નથી.

એક વર્ષનો અનુભવ અને આંતરિક વિખવાદને લઈ પુન: મહાપાલિકા બનાવવાની જ વાતો
નવસારીમાં વિજલપોર અને 8 ગામને ભેળવી નવી પાલિકા તો બનાવી પરંતુ આ નવી પાલિકાનો હદ વિસ્તાર અને વસતિ નાની મહાપાલિકા જેટલી જ છે. આ સ્થિતિમાં મહાપાલિકા જેવું ભંડોળ, સ્ટાફ યા સાધનોની જગ્યાએ પાલિકાના સિમીત સાધનોથીજ ગાડું ગબડાવવું પડ્યું છે. જેને લઈને 1 વર્ષનો અનુભવ લોકો માટે કંઈક વધું સારો રહ્યો નથી.

વધુમાં નવી ચૂંટાયેલી પાંખમાં સત્તા સંભાળતા જ ‘વિખવાદ’ શરૂ થઈ ગયો છે. આ સ્થિતિમાં પાલિકા વર્તુળમાં જોરશોરથી ચર્ચા ચાલે છે કે, આ પાંખ 5 વર્ષ પૂરા નહીં કરે અને અધવચ્ચે જ ‘મહાપાલિકા’ જાહેર થઈ જશે. અહીં ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં તો અહીંના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તો મહાપાલિકા જ બનવી જોઈતી હતી એવું જાહેરમાં બોલી ચૂક્યાં છે.

વધુ સ્ટાફ-ગ્રાંટ હજુ ન ફાળવાઈ
સરકારે 8 ગામો અને વિજલપોરને નવસારી સાથે ભેળવી 3.25 લાખથી વધુ વસતીવાળી મોટી નગરપાલિકા તો બનાવી પરંતુ હજુ સુધી આ મોટી પાલિકાને ચલાવવા માટે વધુ સ્ટાફ અને વધુ ગ્રાંટ નોંધનીય પ્રમાણમાં ફાળવી નથી. જેને લઈને હજુ સુધી કોઈ નવા વિકાસના કામો થઈ શક્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...